દિલ્હી હાઈકોર્ટે ઉમર ખાલિદ અને શરજિલ ઈમામ સહિત 9 આરોપીઓને જામીન ફગાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્લી હાઈકોર્ટએ મંગળવારે 2020ના દિલ્લી હિંસાકાંડ સંબંધિત સુનાવણીમાં મોટો નિર્ણય આપ્યો છે. અદાલતે આરોપી ઉમર ખાલિદ અને શરજિલ ઈમામ સહિત કુલ 9 આરોપીઓની જામીન અરજી ફગાવી છે. ન્યાયમૂર્તિ નવિન ચાવલા અને શલિન્દર કૌરની ખંડપીઠે ઉમર અને શરજિલની અરજી પર સુનાવણી કરી હતી. આ બંને સાથે અન્ય કેટલાક સહ-આરોપીઓની જામીન અરજીઓ પણ નકારી દેવામાં આવી છે. આ પહેલા હાઈકોર્ટએ યુએપીએના એક અન્ય કેસમાં ધરપકડ કરાયેલા તસ્લીમ અહમદને પણ જામીન આપવા ઈનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકરની ખંડપીઠે આ આદેશ કર્યો હતો. 10 જુલાઈએ આ તમામ જામીન અરજીઓ પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસે જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો.
અભિયોજન પક્ષના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે આ માત્ર દંગાનો કેસ નથી, પરંતુ એ એક પૂર્વયોજિત કાવતરુ હતું જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનો હતો. તેમણે દલીલ કરી કે, માત્ર લાંબી કેદ જામીનનો આધાર બની શકતી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના દેશના વિરુદ્ધ કંઈ કરે, તો તેને બરી ન થાય ત્યાં સુધી જેલમાં જ રાખવું યોગ્ય છે.
ઉમર ખાલિદ, શરજિલ ઈમામ, મોહમ્મદ સલીમ ખાન, શિફા-ઉર-રહમાન, અઠર ખાન, મીરાન હૈદર, અબ્દુલ ખાલિદ સૈફી અને ગુલફિશા ફાતિમા પર 2020ની ફેબ્રુઆરીમાં થયેલા દિલ્હી તોફાનોના માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ યુએપીએ તથા તે સમયની ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.