દિલ્હી ચૂંટણીઃ સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેલીને કર્યું બોગસ મતદાન!
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કેટલીક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન દિલ્હીના સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેરીને બોગસ મતદાન કર્યાની ભાજપાએ ફરિયાદ કરી હતી. કેટલીક મહિલા મતદારોએ આરોપ લગાવ્યો હતો કે તેમના વોટ પહેલાથી જ કોઈએ નાખ્યાં છે. જે બાદ ભારે હંગામો મચ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે ડિફેન્સ કોલોનીમાં સર્વોદય વિદ્યાલયમાં બોગસ વોટર સ્લિપ લઈને ફરતા સુમિત અને અનુજ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બંને શખ્સો બોગસ મતદાન કરવાની ફિરાકમાં હતા. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ બંને શખ્સો ક્યાં પક્ષ માટે બોગસ મતદાન નાખવા માટે જઈ રહ્યાં હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને નવી દિલ્હી વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ કેજરિવાલ અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. મતદાન બાદ અરવિંદ કેજરિવાલએ જણાવ્યું હતું કે, હું તમામને વિનંતી કરવા માંગુ છું કે, તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. દિલ્હીના વિકાસ માટે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ, એટલું જ નહીં જે લોકો કામ કરે છે તેમના તરફી જ મતદારો મતદાન કરશે.
અરવિંદ કેજરિવાલના પત્ની સુનિતા કેજરિવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ખુબ સમજદાર છે. તેમની ઉપર અમને પુરો વિશ્વાસ છે. મતદારો ગુંડાગીરીને સહન કરશે નહીં. મને પુરો વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો યોગ્ય વ્યક્તિને જ પસંદ કરશે.