દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ ગણાવ્યા હતા.
દિલ્હી પ્રદેશ ભાજપે સોમવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'X' પર બે પોસ્ટર રિલીઝ કર્યા. ભાજપે લખ્યું, “આપનો પૂર્વાંચલ વિરોધી ચહેરો આખા દેશ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. દિલ્હીમાં રહેતા ઉત્તર પ્રદેશ-બિહારના લોકો કેજરીવાલ માટે નકલી છે, પણ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમના મિત્રો છે?
'પૂર્વાંચલીઓ સામે નફરતની આગ' શીર્ષકવાળા ભાજપના આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કોરોનાના સમયમાં પૂર્વાંચલીઓને નકલી મતદાતા કહેવામાં આવ્યા, દિલ્હીથી ભગાડવામાં આવ્યા, પૂર્વાંચલીઓનું વારંવાર અપમાન કરવામાં આવ્યું, તેમની શ્રદ્ધાની મજાક ઉડાવવામાં આવી. બીજી એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “૨,૦૨૬ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડ પાછળનો મુખ્ય સૂત્રધાર મહાઠગ અરવિંદ કેજરીવાલ છે. દિલ્હીના લોકો 5 ફેબ્રુઆરીએ હિસાબ ચૂકવી દેશે.