દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા છે. મનીષ સિસોદિયા ઉપર રૂ. 1.5 કરોડની લોન હોવાનું જાણવા મળે છે.
મનીષ સિસોદિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે 25,000 રૂપિયા રોકડા છે અને તેમની પત્ની સીમા પાસે 15,000 રૂપિયા રોકડા છે. તેમણે તેમની પત્નીના નામે 12.87 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ પણ જાહેર કરી છે. મનીષ સિસોદિયા અને સીમા સિસોદિયાના નામે કોઈ વાહન નોંધાયેલું નથી. સ્થાવર મિલકતની વાત કરીએ તો, મનીષ સિસોદિયા પાસે 23 લાખ રૂપિયાની મિલકત છે અને સીમા સિસોદિયા પાસે 70 લાખ રૂપિયાની મિલકત છે. સોગંદનામા મુજબ, મનીષ સિસોદિયાએ તેમના બાળકોના શિક્ષણ માટે લોન લીધી છે; તેમના પર 1.5 કરોડ રૂપિયાની જવાબદારી છે. 2020ની ચૂંટણીમાં આપેલા સોગંદનામાની સરખામણીમાં, તેમની જંગમ સંપત્તિમાં 2968874.25 રૂપિયાનો વધારો થયો છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા બાદ તેમને ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. ઈન્ડી ગઠબંધનના સભ્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યાં છે.