દિલ્હી : DPS સહિત અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયા
નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એકવાર અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શનિવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકા, સર્વોદય સિનિયર સેકન્ડરી સ્કૂલ, કુતુબ મિનાર નજીકની શાળા અને નજફગઢની કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલને ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટે ધમકી ભર્યો મેઈલ મળતાં જ તાત્કાલિક એક્શન લઈ કેમ્પસ ખાલી કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યાથી જ બાળકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર હોવાથી ગભરાટ ફેલાયો હતો. બાળકોને કોમન એરિયામાં એકઠા કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતા બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની ટીમો અલગ-અલગ સ્કૂલોમાં પહોંચી તપાસ શરૂ કરી. અત્યાર સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી, પરંતુ સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની શાળાઓને વારંવાર ઈ-મેઈલ અથવા ફોન મારફતે બોમ્બની ધમકીઓ મળતી રહે છે. દરેક વખતે બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢવા પડે છે અને અભ્યાસને નુકસાન થાય છે. અત્યાર સુધી મળી આવેલી તમામ ધમકીઓ ફર્જી સાબિત થઈ છે. સાઇબર સેલ સતત આ ઈ-મેઈલોને ટ્રૅક કરી ધમકી મોકલનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.