દિલ્હી બ્લાસ્ટઃ આતંકી શાહીન બે વર્ષથી વિસ્ફોટક સામગ્રી એકત્ર કરતી હતી, તપાસમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સતત દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બ્લાસ્ટ પહેલાં જ ડૉ. શાહીન શાહિદને પકડી લીધી હતી. પૂછપરછ દરમિયાન શાહીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સૂત્રો મુજબ, શાહીન છેલ્લા બે વર્ષથી વિસ્ફોટક સામગ્રી ભેગી કરતી હતી અને તે ‘જૈશ-એ-મોહમ્મદ’ આતંકી સંગઠન માટે કામ કરતી હતી.
ડૉ. શાહીનએ પૂછપરછમાં કબુલ્યું છે કે, તે અને તેના સાથી ડૉક્ટરો ઉમર, મુઝંમિલ અને આદિલ સાથે મળીને છેલ્લા બે વર્ષથી અમોનિયમ નાઇટ્રેટ જેવા વિસ્ફોટકો ભેગા કરી રહ્યા હતા. તેમની યોજના ભારતભરમાં મોટાપાયે આતંકી હુમલા કરવાની હતી. આખી કામગીરી ‘જૈશ-એ-મોહમ્મદ’ના ઈશારાઓ પર ચાલી રહી હતી.
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1 પાસે સોમવારે સાંજે 6.52 વાગ્યે થયેલા બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી સફેદ આઈ20 કારના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં મેટ્રો પાર્કિંગમાંથી બહાર નીકળતી કારમાં કાળા માસ્કમાં બેઠેલો શખ્સ જોવા મળે છે, જે કાશ્મીરનો રહેવાસી ઉમર નબી હોવાની આશંકા છે. દિલ્લી બ્લાસ્ટ બાદ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી છે. અહીંથી 7 ડૉક્ટરો સહિત કુલ 13 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.