દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવાઈ, અલ-ફલાદ યુનિ.ના અધ્યને સમન્સ પાઠવવામાં આવ્યું
નવી દિલ્હીઃ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવે વિવિધ રાજ્યોમાં પોતાની તપાસનો વિસ્તાર કરી રહી છે. તપાસ દરમિયાન એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને હરિયાણામાં મહત્વપૂર્ણ પગલાં ભરી તપાસને વધુ વેગ આપી છે. લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં NIAએ પોતાની તપાસનો વ્યાપ વધારી પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નદિયા જિલ્લાના પલાશીપાડાના રહેવાસી અને હાલમાં કોલકાતાની પ્રેસિડન્સી જેલમાં કેદી તરીકે બંધ સાબિર અહમદની પૂછપરછ કરવામાં આવી રહી છે. NIAએ તેને અનેક વખત પૂછપરછ માટે બોલાવ્યા છે અને તેના દ્વારા કોઈ આતંકી નેટવર્ક જોડાણ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે. આ કેસમાં અગાઉ STFએ તેના ભાઈ ફૈસલ અહમદની ધરપકડ કરી હતી, જેના આધારે NIAને અનેક મહત્વપૂર્ણ સૂત્રો મળ્યા હોવાનું માનવામાં આવે છે. આ સિવાય, એનઆઈએએ આ કેસમાં પહેલી સત્તાવાર ધરપકડ પણ કરી છે. કાશ્મીરના રહેવાસી આમિર રશીદ અલીને દિલ્હીમાંથી પકડી પાડવામાં આવ્યો છે. હુમલામાં જે કારનો ઉપયોગ થયો હતો, તે તેની જ નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આજે તેને દિલ્હી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
આ સાથે જ, ફરીદાબાદ આતંકી મોડ્યુલ કેસ સંદર્ભે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે અલ-ફલાહ યુનિવર્સિટી ના પ્રમુખ જાવેદ અહમદ સિદ્દીકી સામે યુનિવર્સિટી સાથે જોડાયેલા બે FIR અંગે સ્પષ્ટીકરણ માંગતા બે સમન્સ જારી કર્યા છે. પોલીસ મુજબ, સંબંધિત દસ્તાવેજોમાં ગેરરીતિઓની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે કેન્દ્રિય એજન્સીઓ સતર્ક છે અને વિવિધ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સાથે સમન્વય રાખીને તપાસને આગળ ધપાવી રહી છે.