દિલ્હીઃ ભાજપા સરકારનો અનોખો અંદાજ, ખીર ખવડાવી કરી બજેટની શરૂઆત
નવી દિલ્હીઃ દિલ્હીમાં બજેટ સત્રની શરૂઆત અનોખી રીતે કવામાં આવી છે. મંત્રી પ્રવેશ વર્માએ પોતાના હાથે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ખીર ખવડાવી. મુખ્યમંત્રીએ પ્રવેશ વર્મા અને અન્ય મંત્રીમંડળના સભ્યોને ખીર પીરસીને આ ખાસ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ દિલ્હી સરકાર માટે એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે, કારણ કે 27 વર્ષ પછી દિલ્હી સરકાર તેનું બજેટ રજૂ કરી રહી છે.
- દિલ્હી સરકાર હવે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ પ્રસંગે કહ્યું, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હી સરકારને આ તક મળી છે. અમે આ બજેટમાં જનતા તરફથી મળેલા હજારો સૂચનોનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે." તેમણે કહ્યું કે દિલ્હીના લોકોએ વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા લગભગ 3500 ઇમેઇલ અને 6000 સંદેશા મોકલીને પોતાના વિચારો શેર કર્યા. મુખ્યમંત્રીએ તેને 'ડબલ એન્જિન સરકાર'નું બજેટ ગણાવતા કહ્યું કે દિલ્હી સરકાર હવે કેન્દ્ર સાથે મળીને કામ કરશે.
- બજેટ સત્રના પહેલા દિવસે વિવિધ વર્ગના લોકોએ ભાગ લીધો
બજેટ સત્રના પહેલા દિવસે વિવિધ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. વકીલો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, શીખ સમુદાય અને ઓટો ડ્રાઈવરો જેવા લોકો ખીર ખાતા જોવા મળ્યા. મુખ્યમંત્રીએ તેને દિલ્હીના સામાન્ય લોકોનું બજેટ ગણાવ્યું અને કહ્યું કે આ વિકસિત દિલ્હીના સ્વપ્નની શરૂઆત છે. તેમણે તેમની આખી ટીમને શુભકામનાઓ પાઠવી અને આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો. રેખા ગુપ્તાએ આ ઘટનાની તુલના ભગવાન શ્રી રામના 14 વર્ષ પછી વનવાસમાંથી પાછા ફરવા સાથે કરી. તેમણે કહ્યું, “27 વર્ષ પછી, અમે પહેલીવાર ખીર સમારોહ સાથે બજેટ સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. આજે મેં બધા વર્ગના લોકોને બોલાવ્યા જેથી આ બજેટ દરેકની ભાગીદારીથી તૈયાર થઈ શકે.