દિલ્હી વિધાનસભાની ચૂંટણી તા. 5મી ફેબ્રુઆરીએ યોજાશે, 8મીએ પરિણામ
- 10મી જાન્યુઆરીએ નોટીફિકેશન જાહેર કરાશે
- 17મી જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા ક્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી. આજે ચૂંટણીપંચ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવાની સાથે તમામ રાજકીય પાર્ટીઓ અને રાજકીય આગેવાનોની ઈન્તજારનો અંત આવ્યો છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 8મી ફેબ્રુઆરી ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આચારસંહિતા લાગુ પડી છે. જેથી હવે દિલ્હીમાં કોઈ સરકારી કાર્યક્રમો યોજી શકાશે નહીં.
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવકુમારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચૂંટણી દરમિયાન ગેરરીતીને અટકાવવા માટે કામગીરી કરવામાં આવશે. મતદાન વધુમાં વધુ જાય તેવુ કામગીરી કરવામાં આવશે. દિલ્હીમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. 10મી જાન્યુઆરીના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 17મી જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 85 વર્ષથી ઉપરના મતદારો અને વિકલાંગ મતદારો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા હશે. મતદાનની સરળતા માટે મતદાન મથકો પર સ્વયંસેવકો, વ્હીલચેર અને રેમ્પ બનાવવામાં આવશે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને સલાહ પણ આપી હતી. ચૂંટણી પ્રચારમાં ભાષાનું ધ્યાન રાખો. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020 વિધાનસભા ચૂંટણી માટે મતદાન 8 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું જ્યારે મત ગણતરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી. આ ચૂંટણીમાં AAPએ તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 62 બેઠકો જીતી હતી.