દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારીપત્રોની ચકાસણી અને પરત ખેંચ્યા બાદ કુલ ઉમેદવારોની સંખ્યા 699 રહી ગઈ છે. આમાં સૌથી વધુ ઉમેદવારો નવી દિલ્હી સીટ પરથી 23 ઉમેદવારો લડી રહ્યા છે, જ્યારે સૌથી ઓછા પટેલ નગર અને કસ્તુરબા નગરમાંથી છે, જેની સંખ્યા પાંચ છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે. તેમજ મતદારોને આકર્ષવા માટે વિવિધ યોજનાની ખાતરી આપી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ઉપરાંત કોંગ્રેસ પણ ભાજપા તથા આમ આદમી પાર્ટીને ટક્કર આપશે. આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તેમજ ઈન્ડી ગઠબંધનમાં ચૂંટણીમાં ઝંડલાવ્યું નથી. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા હાલ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.