દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 1.55 કરોડ મતદારો રાજકીય પાર્ટીઓના ભાવિનો કરશે ફેંસલો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએના રોજ મતદાન યોજાશે જ્યારે 8મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. જેથી આગામી દિવસોમાં દિલ્હીમાં રાજકીય પ્રચાર-પ્રસાર તેજ બનવાની છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીના રોજ 1.55 કરોડ મતદારો મતદાન કરીને મતદાન કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી વિધાનસભાની 70 બેઠકો છે. જે પૈકી 58 બેઠકો સામાન્ય અને 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. દિલ્હીમાં કુલ 1.55 કરોડ નોંધાયેલા મતદારો છે અને તેમાંથી 83.49 લાખ પુરુષો અને 71.74 લાખ મહિલાઓ છે. યુવા મતદારોની સંખ્યા (20 થી 21 વર્ષની વયના) 28.89 લાખ છે જ્યારે પ્રથમ વખત મતદાન કરવા પાત્ર યુવાનોની સંખ્યા 2.08 લાખ છે. રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દિલ્હી વિધાનસભામાં બહુમત માટે 36 ધારાસભ્યોની જરૂર છે.
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે રાજધાનીમાં 2697 સ્થળો પર કુલ 13,033 મતદાન મથકો હશે અને તેમાંથી 210 મોડેલ મતદાન મથકો હશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં, સુરક્ષા સંબંધિત પાસાઓ સહિત વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી છે.
2020 વિધાનસભા ચૂંટણી માટે મતદાન 8 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું જ્યારે મત ગણતરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી. આ ચૂંટણીમાં AAPએ તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 62 બેઠકો જીતી હતી. આમ, AAPએ ભારે બહુમતીથી જીત મેળવીને સરકાર બનાવી. આ ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર આઠ બેઠકો પર જ સફળતા મેળવી શકી હતી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ખાતા પણ ખોલી શકાયા નથી.