દિલ્હીમાં આવતા અઠવાડિયે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી થશે અને પરિણામ 15 ફેબ્રુઆરી પછી આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 11 થી 13 ફેબ્રુઆરી વચ્ચે એક તબક્કામાં મતદાન પૂર્ણ થશે. 15 કે 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે. એટલે કે એક રીતે જોઈએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ 6 જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં નવી મતદાર યાદી પણ જાહેર કરશે. આમ દિલ્હીમાં નવી સરકારની રચના અંગેનું ચિત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવાના ઉદ્દેશ્ય સાથે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સાથે જ તમામ પક્ષોએ જનતાને અલગ-અલગ વચનો આપવાનું પણ શરૂ કરી દીધું છે. ચૂંટણી પંચના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષો દરમિયાન ભાજપ પોતાની વોટબેંકને જેમ છે તેમ જાળવી રાખવામાં સફળ રહી છે, જ્યારે દિલ્હીમાં કોંગ્રેસનું રાજકીય મેદાન સરકતું જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસના વોટ શેરમાં ઘટાડો થયો છે અને AAPનો ગ્રાફ સારો થઈ રહ્યો છે. દિલ્હીમાં મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઓછા માર્જિનથી જીત્યા હતા.