દિલ્હીઃ અમિત શાહની અધ્યક્ષતામાં અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ
નવી દિલ્હીઃ કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. 4 થી 7 ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે પધાર્યું છે. આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ત્રિપુરાના સહકારિતા મંત્રી સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં આજે ગુજરાતે સહકારિતા ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસિલ કરી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે સહકારિતા ક્ષેત્રે સૌના સાથ અને સહકાર થકી રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોને તેનો મહત્તમ ફાયદો મળી રહ્યો છે. સહકારિતા મંત્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પડ્યું હતું.
રાજ્યની મુલાકાતે પધારેલા ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં કો-ઓપેરેશન વિભાગ સહકારથી સમૃદ્ધિના વિઝન થકી દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે પણ ત્રિપુરામાં ગુજરાતની જેમ જ સહકારિતા ક્ષેત્રનો વિકાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે વધુ રોજગારી ઊભી કરીશું, જેના પરિણામે ત્રિપુરાના ગ્રામીણ અર્થતંત્રનો ખૂબ વિકાસ થશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં ચોથા નંબરની અર્થવ્યવસ્થા છે, તેમાં સહકારી ક્ષેત્રનો ખૂબ મોટો ફાળો રહેલો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળે ગત રોજ બનાસ ડેરીની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. વધુમાં, આ પ્રતિનિધિ મંડળ અમૂલ ડેરી, ત્રિભોવન સહકારી યુનિવર્સિટી, GSC બેંક તેમજ વિવિધ પેક્સ મંડળીઓ અને દૂધ મંડળીઓની સંભવિત મુલાકાત થકી વિસ્તૃત માહિતી મેળવશે.
આ બેઠકમાં સહકારિતા વિભાગના સચિવ શ્રી સંદિપકુમારના માર્ગદર્શનમાં સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી આપતા રજિસ્ટ્રાર મીતેશ પંડયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓમાં કુલ 89 હજાર કરતાં વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં 1.88 કરોડ કરતાં વધુ સભાસદો જોડાયેલા છે. આ ઉપરાંત રાજ્યમાં 10 હજાર કરતાં વધુ પેક્સ, 16 હજાર કરતાં વધુ દૂધ ઉત્પાદન સમિતિઓ, 30 હજાર કરતાં વધુ હાઉસિંગ સર્વિસ સમિતિઓ,225 જેટલી APMC, 13 સુગર મિલ, ઇથેનોલ પ્લાન્ટ સહિત સહકાર ક્ષેત્રે અનેક મૂળભૂત સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
અમૂલ ફેડરેશનના એમડી જયેન મેહતાએ માહિતી આપતા કહ્યું હતું કે, વાર્ષિક રૂ. 90 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા અમૂલ ફેડરેશનમાં કુલ 19 હજાર કરતાં વધુ દૂધ મંડળીઓ નોંધાયેલી છે, જેમાં 4300 જેટલી દૂધ મંડળીઓ તો માત્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ કુલ દૂધ મંડળીઓ દ્વારા દર રોજ અંદાજે 3 કરોડ લિટર જેટલું દૂધ ભરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આજે અમૂલ દેશની સૌથી મોટી FMCG બ્રાન્ડ છે, જેમાં રાજ્યના 36 લાખ કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે. આ ઉપરાંત આગામી સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ‘સહકાર ટેક્ષી’ પણ શરૂ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ટેક્ષી ડ્રાઈવરો પણ સહકારિતા ક્ષેત્રે જોડાઈને તેનો સવિશેષ લાભ મેળવી શકશે.
GSC બેંકના સીઇઓ શ્રી પ્રદીપ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા છેલ્લા ૬ મહિનામાં સહકારી ક્ષેત્રે જોડાયેલા પશુપાલકો અને ખેડૂતોના નવા 27 લાખ કરતાં વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, આજદિન સુધીમાં રાજ્યની કુલ 14,378 ગ્રામ પંચાયતો પૈકી 87ટકા કરતાં વધુ ગ્રામ પંચાયતોમાં વિવિધ બેન્કિંગ સેવાઓ આપવામાં આવી રહી છે. જેવી કે ગ્રામીણ કક્ષાએ બેંક એકાઉન્ટ ઓપનિંગ, ક્રોપ લોન, માઇક્રો ATM જેવી અનેક બેન્કિંગ સેવાઓ જિલ્લા કે તાલુકા મથકે ગયા વિના ઘરઆંગણે મળી રહી છે. આ બેઠકમાં GCMMF અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ત્રિપુરા સહકારિતા વિભાગના રજીસ્ટ્રાર, સંયુક્ત રજિસ્ટ્રાર અને એપેક્ષ કો-ઓપરેટિવે સોસાયટીના ચેરમેનઓ સહિત ગુજરાત સહકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.