દિલ્હી: ઉપરાજ્યપાલના અભિભાષણ વખતે સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 12 MLAને સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હીઃ દિલ્હી વિધાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સદનની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ઝુબેર અહમદ ચૌધરી, અનિલ ઝા, વિશેષ રવિ અને જરનૈલ સિંહનો સમાવેશ થાય છે.
આતિશીએ આરોપ લગાવ્યો કે, ભાજપાએ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બી.આર.આંબેડકરનું ચિત્ર હટાવીને તેમનું અપમાન કર્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "ભાજપે બાબાસાહેબ આંબેડકરની તસવીર હટાવીને પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળના વહીવટીતંત્રે દિલ્હી સચિવાલય અને વિધાનસભા બંનેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આંબેડકરના ચિત્રો દૂર કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા AAP ધારાસભ્યોએ બાદમાં વિધાનસભા પરિસરમાં આંબેડકરની તસવીર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને "હિન્દુસ્તાન બાબાસાહેબનું આ અપમાન સહન નહીં કરે" ના સુત્રોચ્ચાર કર્યાં હતા.