રાજકોટમાં રેશનિંગના પુરવઠાની વિલંબથી ફાળવણીને લીધે વિતરણ વ્યવસ્થાને અસર પડી
- રેશનિંગ દૂકાનદારોની હડતાળ બાદ પુરવઠાની ફાળવણી વિલંબથી કરાઈ,
- રેશનિંગધારકોને અનાજ ન મળતા અસંતોષ,
- રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા રાશનનો જથ્થો પહોંચ્યો નથી
રાજકોટઃ શહેર અને જિલ્લામાં રેશનિગનો પુરવઠાની ફાળવણીમાં થયેલા વિલંબને કારણે રેશનિંગની દૂકાનોમાં સ્ટોક ન હોવાથી કાર્ડધારકોને અનાજ સહિતની ચિજ-વસ્તુઓનું વિતરણ થઈ શક્યુ નથી. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી અઠવાડિયામાં માત્ર પોણા બે ટકા લોકો સુધી જ અનાજ પહોંચ્યું છે. જેના લીધે ગરીબોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું વિતરણ થઈ શક્યું નથી.
રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવતા આ મહિને રાશનકાર્ડ ધારકોને અનાજના પુરવઠાનું વિતરણ ખોરવાઈ ગયું છે. આ અંગે રાજકોટ જિલ્લાના પુરવઠા અધિકારી ઝાંપડાના કહેવા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં 3,11,999 રાશન કાર્ડ ધારકો છે. સામાન્ય રીતે રાશનકાર્ડ ધારકોને દર મહિનાની 1થી 10 તારીખ સુધીમાં અનાજ અને ખાંડ સહિતનો પુરવઠો મળી જતો હોય છે પરંતુ આ વખતે હડતાલને કારણે તેમાં થોડું મોડું થયું છે. જોકે એક અઠવાડિયામાં વિતરણ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના 700 સહિત રાજ્યના 17000 સસ્તા અનાજના દુકાનદારો 1 નવેમ્બરથી અલગ અલગ 20 જેટલી માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા હતા. જેમાં પ્રતિ કિલો કમિશન રૂ.1.50 થી વધારી રૂ.3 અને મીનીમમ કમિશન રૂ.20 હજારથી વધારી રૂ.30 હજાર કરવાની માંગણી હતી. જોકે સરકારે માંગણીઓ સંતોષવા માટે બાંયધરી આપતા 4 નવેમ્બરના હડતાલ તો સમેટાઈ ગઈ હતી. પરંતુ રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા હજુ દુકાનોમાં રાશનનો જથ્થો પહોંચ્યો નથી. માત્ર પોણા બે ટકા જથ્થો પહોચતા ગરીબ રાશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.