રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોરક્કોની બે દિવસીય મુલાકાત લેશે
નવી દિલ્હીઃ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તા. 22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદીના આમંત્રણ પર થઈ રહી છે. ભારતીય રક્ષા મંત્રીની આ મોરક્કોની પ્રથમ મુલાકાત છે, જે ભારત અને મોરક્કો વચ્ચેના વધતા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે.રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહની આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન હશે. આ યુનિટ બેરેચિડમાં વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ 8×8 નું નિર્માણ કરશે. આ પ્લાન્ટ આફ્રિકામાં ભારતીય સંરક્ષણ ક્ષેત્રનો પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ભારતના સંરક્ષણ ઉદ્યોગની વધતી વૈશ્વિક ઉપસ્થિતિને દર્શાવે છે. આ મુલાકાત દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેનો હેતુ સંરક્ષણ, વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાનો છે. તેઓ મોરક્કોના ઉદ્યોગ અને વેપાર મંત્રી રિયાદ મેઝૂરને પણ મળશે જેથી ઔદ્યોગિક ભાગીદારી માટે નવા અવસરો શોધી શકાય.
રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.આ મુલાકાત દરમિયાન, ભારત અને મોરક્કો વચ્ચે સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ સમજૂતી દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને એક સંસ્થાકીય માળખું પ્રદાન કરશે, જેમાં પરસ્પર તાલીમ, ઔદ્યોગિક ભાગીદારી અને અન્ય સહયોગનો સમાવેશ થશે.રક્ષા મંત્રાલય અનુસાર, ભારતીય નૌસેનાના જહાજો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિતપણે કાસાબ્લાન્કા બંદરની મુલાકાત લે છે અને આ સમજૂતી આ ભાગીદારીને વધુ સુદૃઢ બનાવશે.ઉલ્લેખનીય છે કે, 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરક્કોના સમ્રાટ મોહમ્મદ છઠ્ઠમની ભારતમાં થયેલી મુલાકાત બાદ ભારત અને મોરક્કોના સંબંધોને ગતિ મળી છે. આગામી મુલાકાતથી ખાસ કરીને સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊર્જા મળવાની અપેક્ષા છે.