For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

'શરિયા કોર્ટ' અને 'દારુલ કઝા'ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

10:52 AM Apr 29, 2025 IST | revoi editor
 શરિયા કોર્ટ  અને  દારુલ કઝા ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી  સુપ્રીમ કોર્ટ
Advertisement

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે 'કાઝી કી અદાલત', 'દારુલ કઝા' અથવા 'શરિયા કોર્ટ' જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી.

Advertisement

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટના એક નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં ફેમિલી કોર્ટે 'કાઝી કી અદાલત'માં થયેલા કરારના આધારે પોતાનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કરતા સ્પષ્ટ કર્યું કે, આવી સંસ્થાઓનો નિર્ણય ફક્ત તે પક્ષો માટે જ બંધનકર્તા હોઈ શકે છે જેઓ સ્વૈચ્છાએ તેનું પાલન કરવા સંમત થાય છે, પરંતુ તેને કાયદેસર રીતે લાગુ કરી શકાતો નથી.

કોર્ટે વિશ્વ લોચન મદન VS ભારત સરકારના કેસમાં 2014ના પોતાના સીમાચિહ્નરૂપ ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શરિયા કોર્ટ અને તેમના ફતવાઓને ભારતીય કાયદામાં કોઈ માન્યતા નથી. આ નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, કોઈપણ બિન-સરકારી સંસ્થા બળજબરીથી કોઈના પર પોતાના નિર્ણયો લાદી શકે નહીં.

Advertisement

મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન 24 સપ્ટેમ્બર, 2002ના રોજ ઇસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. આ બંનેના બીજા લગ્ન હતા. 2005માં, મહિલા વિરુદ્ધ 'કાઝી કી અદાલત' ભોપાલમાં છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને બાદમાં સમાધાનના આધારે રદ્દ કરવામાં આવ્યો હતો. 2008માં, પતિએ ફરીથી 'દારુલ કઝા'માં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો અને 2009માં તલાકનામા જારી કરવામાં આવ્યો. મહિલાએ 2008માં ફેમિલી કોર્ટમાં ભરણપોષણની માગણી કરતી અરજી દાખલ કરી હતી, જેને ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી.

ફેમિલી કોર્ટે તર્ક આપ્યો હતો કે મહિલાએ જાતે જ ઘર છોડી દીધું હતું અને તે બંનેના બીજા લગ્ન હોવાથી દહેજની માગણીની કોઈ શક્યતા નહોતી. સુપ્રીમ કોર્ટે ફેમિલી કોર્ટની આ દલીલને કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ અને માત્ર અનુમાન પર આધારિત ગણાવી.

સુપ્રીમ કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને પતિને અરજી દાખલ કરવાની તારીખથી પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને 4,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે એ પણ કહ્યું કે, કોર્ટ ફક્ત સમાધાન દસ્તાવેજના આધારે નિષ્કર્ષ કાઢી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય 4 ફેબ્રુઆરીએ સંભળાવવામાં આવ્યો હતો, જે હવે જાહેર થઈ ગયો છે.

Advertisement
Tags :
Advertisement