દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો, ઓપરેશન સિંદૂર દરમિયાન તોડી પડાઈ હતી
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત દાલ સરોવરની સફાઈ દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો છે. આ મિસાઈલ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન શ્રીનગર પર ટાંકી હતી, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે (21 સપ્ટેમ્બર) શરૂ થયેલા સફાઈ અભિયાન દરમિયાન આ કાટમાળ બહાર આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, દાલ સરોવર વિસ્તારમાં મળેલો આ કાટમાળ પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો જીવંત પુરાવો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેને કબજામાં લઈ તપાસ માટે મોકલ્યો છે. પાકિસ્તાન વારંવાર કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદનો આપે છે, પરંતુ આ કાટમાળ સાબિત કરે છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન કાશ્મીરીઓને નિશાન બનાવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ વડે અનેક વિસ્તારોમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓ નિષ્ફળ કર્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના નૂરખાન એરબેઝ, મુરિદકે સહિત અનેક સ્થળો પર પ્રતિકારાત્મક કાર્યવાહી કરી હતી.
22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરીને 26 લોકોના જીવ લીધા હતા. આ ઘટના પર વિશ્વભરમાં ભારે ટીકા થઈ હતી. તેના બદલા રૂપે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ત્રણેય સેનાના જવાનોએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં પર હુમલા કરીને 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
ભારત સરકારે પાકિસ્તાન પર દબાણ વધારતાં સિંધુ જળ સંધિ પણ રદ કરી હતી. દાલ સરોવરમાંથી મળેલો મિસાઈલનો કાટમાળ પાકિસ્તાનની હાર અને ભારતની સેનાની સફળતા ફરીથી સ્પષ્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ કાટમાળ ભારતના દૃઢ સંકલ્પ અને પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો મૌન સાક્ષી છે.