પુષ્પક એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનમાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરાંડા રેલ્વે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અફવા પછી, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સામેથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા લોકોને કચડી નાખ્યા. પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન મુસાફરોએ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેન ઉભી રહી ગઈ. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પક એક્સપ્રેસ પરંડા રેલ્વે સ્ટેશન પાસે આવી રહી હતી. પછી ટ્રેનના મોટરમેને બ્રેક લગાવી અને પૈડામાંથી તણખા નીકળવા લાગ્યા. આ દરમિયાન, મુસાફરોમાં અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે અને ગભરાયેલા લોકો કોચમાંથી કૂદવા લાગ્યા. કેટલા મુસાફરોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ નથી.