ડીસા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 21 ઉપર પહોંચ્યો, ગોડાઉન માલિક પિતા-પુત્રની અટકાયત
ગાંધીનગરઃ ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ગુનાશાખા- LCBએ ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ – S.I.T.ની રચના પણ કરવામાં આવી છે. ગોડાઉનમાંથી 21 લોકોના મૃતદેહ કબજે કરાયા હોવાનું બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ડિસા સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. નરેન્દ્ર મોદીએ કહ્યું, મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થતાં ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડી જ વારમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.
ફેક્ટરીમાં આગ વિકરાળ બનતા નાસભાગ મચી હતી. જ્યારે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, પાંચ જેટલા ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.જ્યારે આગના બનાવને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેકટર નેહાબહેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.