બેંગલુરુ અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો, ડેપ્યુટી સીએમએ કહ્યું- ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરીશું
બેંગ્લોરમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, જેમના બચાવ માટે રેસ્ક્યુ ટીમો કામે લાગી છે. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે અને 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે બેંગલુરુના પૂર્વ ભાગમાં હોરામાવુ આગરા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. દુર્ઘટના સમયે કાટમાળ નીચે 20 લોકો ફસાયા હતા.
ગેરકાયદે બાંધકામ અંગે કડક સૂચના
બુધવારે સવારે પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ડોગ સ્વાડની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે મંગળવારે રાત્રે જ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઇમારત ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. શિવકુમારે કહ્યું કે મેં બેંગલુરુમાં પરવાનગી વિના ગેરકાયદેસર ઈમારતોના નિર્માણ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. નિર્માણાધીન બિલ્ડીંગોનું નિરીક્ષણ કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે.
કેસમાં FIR નોંધવામાં આવી છે
બેંગ્લોર ઈસ્ટ ડીસીપીએ કહ્યું કે ઈમારત પડવાના કેસમાં ત્રણ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં મુનિરાજા રેડ્ડી, મોહન રેડ્ડી અને ઈલુમલાઈના નામ સામેલ છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 100, 105, 125(A), 120(B), 270, 3(5) અને બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 326, 327 અને 328 હેઠળ ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણેયને રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટની કલમ 3 હેઠળ પણ આરોપી બનાવવામાં આવ્યા છે. એક આરોપી ભુવન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે, જે મુનિરાજા રેડ્ડીના પુત્ર છે. આ ઈમારત મુનિરાજા રેડ્ડીના નામ પર બની રહી હતી. બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર મુનિયપ્પાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.