ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, કચ્છના નલિયામાં 6.2 ડિગ્રી
- 10થી 15 કિમીની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાતા લોકો ધ્રુજી ગયા,
- હજુ 24 કલાક ઠંડીનું મોજું યથાવત રહેશે, અંબાલાલ પટેલ કહે છે,
- તા.17થી 26મી સુધી ઠંડી ગાયબ થશે, 4થી જાન્યુઆરીએ માવઠું પડશે
અમદાવાદઃ ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવએ લોકોને ધ્રૂજાવી દીધા છે. હજુ પણ ઉત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ યથાવત્ રહેશે. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને રાત્રે લઘુત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો નોંધાઈ શકે છે. દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. 17થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28થી 31 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગમાં 26થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. 16થી 24 ડિસેમ્બર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળો આવશે અને 4 જાન્યુઆરી સુધીમાં વરસાદી છાંટા થવાની શક્યતા છે. ડિસેમ્બરના એન્ડમાં મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કેટલાક જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવાથી કડકતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં હવે પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે અનેક આગાહીઓ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સાથે તેમણે બરફના તોફાનો અંગે પણ આગાહી કરી છે. આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. 17થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28થી 31 ડિગ્રી, સૌરાષ્ટ્રના ભાગમાં 26થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. 16થી 24 ડિસેમ્બર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળો આવશે અને 4 જાન્યુઆરી સુધીમાં વરસાદી છાંટા થવાની શક્યતા છે. ડિસેમ્બરના એન્ડમાં મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.