દ્વારકાના જગત મંદિરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ
- ભાવિકો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ
- મંદિરની બહાર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત
દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલીને લીધે રાતના સમયે બ્લેકઆઉટ જાહેર કરાતા રાતની સમયે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે બન્ને દેશો વચ્ચે સીઝફાયર થતાં સ્થિતિ પૂર્વવત બની ગઈ છે. પણ મંદિરની સલામતી માટે દ્વારકાધિશના મંદિરમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણયલેવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 10 મેએ સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો સીઝફાયરની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ પાકિસ્તાને પોતાની હરકતો ચાલુ રાખી અને ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની નાપાક હરકતનો વળતો જવાબ ભારતીય સેનાએ આપ્યો હતો. હાલ સ્થિતિ પૂર્વવત બની ગઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. દ્વારકા જગત મંદિર સાંજે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જો કે, મંદિરમાં નિત્યક્રમની પૂજા રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન ઓનલાઈન માધ્યમથી કરી શકશે.
જિલ્લા વહીવટી તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે. દ્વારકાના વેપારી મંડળે પણ સહયોગની ભાવના દર્શાવી છે. વેપારીઓ રાત્રે 8 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા બંધ રાખશે. તેમને ઘર અને દુકાનની લાઈટો બંધ રાખવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. આ બ્લેકઆઉટના આદેશનું પાલન કરવા તમામ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.