ભાવનગરના ઘોઘા બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લાગાવાયુ
- દરિયાકાંઠે 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા,
- દરિયામાં કરંટને લીધે ભારે મોજા ઉછળી રહ્યા છે,
- લોકોને દરિયા કાંઠા વિસ્તારથી દુર રહેવા તંત્રએ અપીલ કરી
ભાવનગરઃ અરબી સાગરમાં ચક્રવાતની નવી સિસ્ટમ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરન્ટને લીધે દરિયો તોફાની બની રહ્યો છે. તેના લીધે સૌરાષ્ટ્રના અન્ય બંદરોની જેમ ઘોઘા બંદર પર ભયજનકની ચેતવણી આપતું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોઘાના કાંઠા વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સાથે અતિભારે વરસાદ અને દરિયામાં ઊંચા મોજા ઉછળે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેને પગલે ઘોઘા બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સમુદ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને ભારે પવન પણ ફુંકાય રહ્યો છે. ત્યારે ઓખા અને ઘોઘા સહિતના બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવાયા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હવામાનની આગોતરી ચેતવણી આપવામાં આવી હતી તેના લીધે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.