ડી. ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવી જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ
નવી દિલ્હીઃ 18 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ચીનના વર્તમાન ચેમ્પિયન ડીંગ લિરેનને 7.5-6.5ના માર્જીનથી હરાવ્યો અને આ સાથે ગુકેશ વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો. ગુકેશે 14મી અને નિર્ણાયક ગેમ જીતીને ટાઈટલ જીત્યું હતું. 25 નવેમ્બરે શરૂ થયેલી ફાઇનલમાં, બંને ખેલાડીઓએ 13 રમતો રમી હતી, જેમાં સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. 14મી ગેમમાં ગુકેશે શાનદાર રમત રમી અને 1 પોઈન્ટની લીડ સાથે જીત મેળવી.
ગુકેશ ભારતનો બીજો વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો
ભારતનો બીજો વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે. તેના પહેલા વિશ્વનાથન આનંદે 2012માં આ ખિતાબ જીત્યો હતો. 17 વર્ષની ઉંમરે, ગુકેશે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી, જેણે તેને આ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવ્યું. ફાઈનલની 11મી ગેમ બાદ ગુકેશ 6-5થી આગળ હતો. જોકે, ડીંગ લિરેને 12મી ગેમમાં પુનરાગમન કર્યું હતું અને સ્કોર બરાબરી કરી હતી. 13મી ગેમમાં મેચ ડ્રો રહી હતી. છેલ્લી ગેમમાં ગુકેશે ડીંગને હરાવી ટાઈટલ જીત્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના 138 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું જ્યારે બે એશિયન ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આમને-સામને હતા. જો તે ટાઇટલ જીતશે તો ગુકેશને 20.86 કરોડ રૂપિયા (2.5 મિલિયન યુએસ ડોલર)નું ઇનામ મળશે. ગુકેશે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેમના પ્રથમ કોચ ભાસ્કર નગૈયા હતા, જેઓ પોતે આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી છે. બાદમાં વિશ્વનાથન આનંદે પણ તેને કોચિંગ આપ્યું હતું. ગુકેશના પિતા ડોક્ટર અને માતા માઇક્રોબાયોલોજીસ્ટ છે.