લેન્ડફોલ બાદ ચક્રવાતી તોફાન 'દાના' મચાવી તબાહી, જાણો કેટલું નુકસાન થયું છે?
નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડું દાના સતત તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાતી તોફાન દાનાએ ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરામાં લેન્ડફોલ કર્યું હતું. લેન્ડફોલ દરમિયાન તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હતી. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ચક્રવાત દાના ત્રાટક્યા બાદ ઓડિશાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ તૂટી ગયા છે.
ઓડિશાના ધામરા અને ભદ્રકમાં ભારે નુકસાન થયું છે
NDRF, SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તોફાન પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે. સાવચેતીના ભાગરૂપે ઓડિશાના 14 જિલ્લાઓમાંથી 10 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. તોફાનના કારણે બંગાળ અને ઓડિશામાં 300 ફ્લાઈટ અને 552 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે પવન અને ભારે વરસાદને કારણે ઓડિશાના ધામરા અને ભદ્રકમાં ભારે નુકસાન થયું છે. તે ઉપરાંત સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે.
ચક્રવાત 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાશે
વિનાશરૂપી વાવાઝોડાનો આતંક એટલો મોટો છે કે ટ્રેન, ફ્લાઈટ, બસ, કાર, બધું જ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. લોકો ઘરના દરવાજા અને બારીઓ બંધ કરીને છુપાઈ ગયા છે. ઓડિશાના ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળને ચક્રવાત દાનાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ જણાવ્યું કે ચક્રવાત બનાવવાની પ્રક્રિયા 25 ઓક્ટોબરની મોડી રાત અને સવાર સુધી ચાલુ રહેશે. ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા ધીમી છે, સામાન્ય રીતે 5-6 કલાક લે છે. જ્યારે ચક્રવાત લેન્ડફોલ કરશે ત્યારે ભારે વરસાદ, પવન અને તોફાન તેમની ટોચ પર હશે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠે પહોંચે છે, ત્યારે બે મીટર ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે અને ચક્રવાત 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાશે.
હવામાન વિભાગે આ રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ચક્રવાતી તોફાન દાના પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજ્યની ડિઝાસ્ટર ટીમો તોફાનની અસર પર નજર રાખી રહી છે. સીએમ મમતા બેનર્જી પણ રાજ્યના અધિકારીઓ સાથે વાવાઝોડાની અસરની સમીક્ષા કરી રહ્યા છે. ચક્રવાતી તોફાનની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને યુપીમાં જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. અન્ય રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.