સાયબર ક્રાઈમ અને ક્લાઈમેટ ચેન્જ માનવ અધિકારો માટે નવા જોખમો: રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આયોજિત માનવ અધિકાર દિવસની ઉજવણીમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતે પોતાની 5,000 વર્ષથી વધુ જૂની સંસ્કૃતિના વારસા સાથે સહાનુભૂતિ, કરુણા અને સુમેળભર્યા સમુદાયમાં વ્યક્તિઓના આંતર-જોડાણના મૂલ્યોને સમર્થન આપ્યું છે. આ મૂલ્યોના આધારે, NHRC અને SHRC જેવી સંસ્થાઓ, નાગરિક સમાજ, માનવાધિકાર રક્ષકો, વિશેષ સંવાદદાતાઓ અને વિશેષ નિરીક્ષકો, બધા માટે માનવ અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે. તેમણે ઉલ્લંઘનોને દૂર કરવા, જાગરૂકતા વધારવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારોને જાળવી રાખવા માટે નીતિમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં NHRC દ્વારા સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તમામ નાગરિકોને નાગરિક અને રાજકીય અધિકારોની બાહેંધરી આપવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે. સરકાર તમામ માટે આવાસ, સ્વચ્છ પીવાનું પાણી, સુધારેલ સ્વચ્છતા, વીજળી, રાંધણગેસ અને નાણાકીય સેવાઓથી લઈને આરોગ્યસંભાળ અને શિક્ષણ માટે સંખ્યાબધ્ધ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક અધિકારોની બાંયધરી આપે છે. મૂળભૂત જરૂરિયાતોની જોગવાઈને અધિકારોની બાબત તરીકે જોવામાં આવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે જેમ જેમ આપણે ભવિષ્યમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે ઉભરતા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. સાયબર ક્રાઈમ અને ક્લાઈમેટ ચેન્જ માનવ અધિકારો માટે નવા જોખમો છે. ડિજિટલ યુગ, પરિવર્તનશીલ હોવા છતાં, તેની સાથે સાયબર ધમકીઓ, ડીપફેક, ગોપનીયતાની ચિંતાઓ અને ખોટી માહિતીનો ફેલાવો જેવા જટિલ મુદ્દાઓ લાવ્યા છે. આ પડકારો દરેક વ્યક્તિના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતા સુરક્ષિત, સંરક્ષિત અને ન્યાયપૂર્ણ ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે આપણા રોજબરોજના જીવનમાં પ્રવેશી ચૂક્યું છે, જે ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને ઘણી નવી સમસ્યાઓ ઊભી પણ કરે છે. માનવ અધિકાર પર અત્યાર સુધીની ચર્ચા માનવ એજન્સી પર કેન્દ્રિત રહી છે, એટલે કે, ઉલ્લંઘન કરનારને માનવી માનવામાં આવે છે, જેમાં કરુણા અને અપરાધ જેવી માનવીય લાગણીઓ હોય છે. જો કે AIની સાથે ગુનેગાર એક બિન-માનવ પરંતુ બુદ્ધિશાળી એજન્ટ હોઈ શકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન આપણને વૈશ્વિક સ્તરે માનવ અધિકારની વિચારસરણીની સમીક્ષા કરવા દબાણ કરે છે. એક અલગ સ્થળ અને અલગ યુગના પ્રદૂષકો બીજા સ્થાને અને બીજા સમયગાળાના લોકોના જીવનને અસર કરી રહ્યા છે. ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતે જળવાયુની કાર્યવાહીમાં યોગ્ય રીતે નેતૃત્વ લીધું છે. સરકારની પહેલ, જેમ કે 2022 એનર્જી કન્ઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ, અને લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ, અથવા LiFE, મૂવમેન્ટ, ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળો ગ્રહ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રદર્શન છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય મુદ્દો વધુને વધુ મહત્વપૂર્ણ બની ગયો છે, ખાસ કરીને આપણા બાળકો અને યુવાનો માટે. તેમણે તમામ હિતધારકોને આપણા બાળકો અને યુવાનોને અસર કરતા તણાવને દૂર કરવા માટે પર્યાપ્ત પગલાં શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે વ્યાપારી નેતાઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી કે વધતી જતી 'ગીગ ઇકોનોમી' ગીગ કામદારોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર ન કરે. જેમ જેમ આપણે નવા આર્થિક મોડલને અપનાવીએ છીએ, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ વ્યક્તિઓ, ખાસ કરીને નબળા ક્ષેત્રોમાંની સુખાકારી પ્રાથમિકતા રહે. આપણે બધાએ માનસિક બીમારી સાથે સંકળાયેલા કોઈપણ કલંકને દૂર કરવા, જાગૃતિ લાવવા અને તેની જરૂરિયાતવાળા લોકોને મદદ પૂરી પાડવા માટે કામ કરવું જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે માનવ અધિકાર દિવસ પર આપણે ન્યાય, સમાનતા અને ગૌરવના મૂલ્યો માટે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું નવીનીકરણ કરવું જોઈએ જે આપણા રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરે છે. જેમ જેમ આપણે આપણા સમયના પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખીએ છીએ, આપણે દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારોનું સમર્થન કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે કોઈ પાછળ ન રહી જાય. તેમણે કહ્યું કે સાથે મળીને, સતત પ્રયત્નો અને એકતા દ્વારા, આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ જેમાં દરેક વ્યક્તિ, વય, પૃષ્ઠભૂમિ અથવા સંજોગોને ધ્યાનમાં લીધા વિના, ગૌરવ, તક અને પરિપૂર્ણતાનું જીવન જીવવા માટે સશક્ત બને.