સાસણગીરના સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરતા સાયબર માફિયાઓ
- ઓનલાઈન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા,
- વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,
- અજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટ બનાવી
જૂનાગઢઃ સાયબર માફિયાઓ છેતરપિંડી માટે પ્રવાસન સ્થળોની હોટલો કે સરકારી સેવા સદનની ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસે બુકિંગ લઈને છેતરપિંડી કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. સાસણ ગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા અને કુદરતી સૌંદર્યની મોજ માણવા આવતા હોય છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે ઉત્તમ રહેવા, જમવાની સુવિધા મળી રહે તે માટે ઓનલાઇન બુકિંગ જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજે સાસણ ગીરના સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસના નામે પ્રવાસીઓ સાથે મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવતા વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.
સાયબર માફિયાઓએ સાસાણગીરની સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની દેખાતી આબેહૂબ નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ ઘટનાને પગલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં સાસણ ગેસ્ટ હાઉસ રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુજરાત વન વિભાગના વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર હેઠળ સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસ આવેલું છે. આ ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને રહેવા-જમવાની વ્યવસ્થા અપાય છે, જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી, ન તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે. અજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટો ઊભી કરી હતી. આ વેબસાઈટ પર સંપર્ક માટે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકીને પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપવામાં આવતી હતી. વન વિભાગને સહકર્મચારીઓ મારફતે આ નકલી વેબસાઈટ વિશે જાણકારી મળી હતી. બાદમાં અનેક પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેમાં પ્રથમ કેસમાં વલસાડના જતીનભાઈ ધીરજલાલ શેઠે ગુગલ બ્રાઉઝરમાં સર્ચ કરીને એક વેબસાઈટ મારફતે વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. ઠગે જમ્મુ અને કાશ્મીર બેંકના ખાતામાં રૂ. 11,900 ટ્રાન્સફર કરાવ્યા અને તેમને નકલી રિસીપ્ટ પણ મોકલી આપી હતી. જ્યારે બીજા કેસમાં વધુ વેરીફિકેશન માટે રેન્જ ફોરેસ્ટ અધિકારીએ બીટગાર્ડ રવિભાઈ લીંબાડને એક રૂમ બુક કરવા જણાવ્યું હતું. રવિભાઈએ 31/10/2025ના વ્હોટ્સએપ પર સંપર્ક કરતા ઠગે ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં રૂ. 3,000 એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું. રવિભાઈએ UPI મારફતે આ રકમ મોકલી આપી, પરંતુ ત્યારબાદ સામેવાળાએ રૂમ કન્ફર્મેશનની રિસીપ્ટ મોકલી નહોતી અને રવિભાઈનો નંબર બ્લોક કરી દીધો હતો. તેમજ ત્રીજા કેસમાં મુંબઈના સંજયભાઈ પદ્મનાભન પાસેથી પણ નકલી વેબસાઈટ દ્વારા જ સંપર્ક કરીને એક્સિસ બેંકના ખાતામાં રૂ. 14,000 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.
આ ત્રણ નોંધાયેલા કિસ્સાઓમાં છેતરપિંડી આચરનારા આરોપીઓએ પ્રવાસીઓ અને વન વિભાગના કર્મચારી પાસેથી અંદાજે રૂ. 28,900ની છેતરપિંડી આચરી છે. જો કે વન વિભાગે અન્ય પ્રવાસીઓની રજૂઆતો પણ મળી હોવાનું જણાવ્યું છે, તેથી છેતરપિંડીની કુલ રકમ લાખોમાં હોવાની સંભાવના છે.