મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે. તેવી ગંભીર નોંધ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કરી હતી. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ માટે એક વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજીને ફગાવી દેતી વખતે ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ટિપ્પણી કરી હતી.
બેન્ચે નોંધ્યું હતું કે, 'પર્યાવરણના મામલામાં કોઈ દયા ન હોવી જોઈએ.' મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરવાનગી વિના કાપવામાં આવેલા 454 વૃક્ષોના લીલા આવરણને ફરીથી બનાવવામાં અથવા પુનર્જીવિત કરવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે.
તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં પરવાનગી વિના વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે મથુરાના દાલમિયા બાગના માલિકોને 4.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. દાલમિયા બાગમાં કુલ 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે જમીન માલિકને દાલમિયા બાગના એક કિમીના ત્રિજ્યામાં 9080 વૃક્ષો વાવવા માટે જમીન આપવાનો આદેશ આપ્યો છે. વૃક્ષો વાવ્યા પછી, તેમણે તેમના જાળવણી માટે વન વિભાગમાં પૈસા પણ જમા કરાવવા પડશે.
તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં વૃક્ષો કાપવા અંગે બેન્ચે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કેન્દ્રીય સશક્ત સમિતિની ભલામણોને સ્વીકારીને દાલમિયા બાગ કેસમાં પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ના રિપોર્ટને સ્વીકાર્યો, જેમાં શિવ શંકર અગ્રવાલ નામના વ્યક્તિ દ્વારા મથુરા-વૃંદાવનમાં દાલમિયા ફાર્મ્સમાં 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ભલામણ કરવામાં આવી હતી. અગ્રવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ કોર્ટે દંડની રકમ ઘટાડવાનો ઇનકાર કર્યો હતો.