સાયલા માર્કેટિંગ યાર્ડમાં જીરૂની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી
- ઝાલાવાડમાં નર્મદાની કેનાલથી સિચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો
- જીરાના 20 કિલોના રૂપિયા 4100 સુધીના ભાવ બોલાયા
- જીરૂ ઉપરાંત એરંડા અને વરિયાળીની આવકમાં પણ વધારો
સુરેન્દ્રનગરઃ જિલ્લાની સુકી ધરાને નર્મદાના નીર મળતા જિલ્લો નંદનવન સમો બની રહ્યો છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે જીરૂ, વરિયાળી સહિત અન્ય પાકોના ઉત્પાદનમાં પણ વધારો થયો છે, હાલ જિલ્લાના સાયલા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવકમાં વધારો નોંધાયો છે. જીરાના પાકના 20 કિલોના રૂ. 4100 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખૂશી જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં હજુ તમામ વિસ્તારોમાં નર્મદા કેનાલનો લાભ મળ્યો નથી. અને વરસાદ આધારિત ખેતી જોવા મળે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી કપાસના ઉતારાને કારણે ખેડૂતોમાં એક એકરે 15 મણથી વધુ ઉતારો આવતા ખેડૂતોની આવકમાં વધારો જોવા મળે છે. જેના કારણે એક મણે રૂ. 1300થી 1450 સુધીના ભાવમાં કપાસ વેચાઈ રહ્યો છે. હાલમાં રવિ પાકમાં જીરૂ અને એરંડ, ચણા, વરિયાળી સહિતના પાકમાં પણ પૂરતા વરસાદ અને સારા હવામાનના કારણે મબલક પાકનું ઉત્પાદન થયુ છે. સાયલા યાર્ડમાં દૈનિક 300થી 400 મણ સુધીની આવક થઈ રહી છે. અને જીરાના 20 કિલોના રૂ. 4100 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.
સાયલા યાર્ડમાં એરંડા, ચણા અને વરીયાળીના પાકની આવક પણ વધી રહી છે. યાર્ડમાં સારી ગુણવત્તા ધરાવતા એરંડાના રૂ. 1225, ચણા રૂ. 1025 તેમજ વરીયાળીના રૂ. 2500 સુધીના ભાવ મળી રહ્યા છે. આ બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન આલાભાઇ રબારી તેમજ સેક્રેટરી રાજેન્દ્રસિંહ ડોડીયા અને દેવરાજભાઈ ધોરીયા સહિતના કર્મચારીઓ ખેડૂતોને યોગ્ય કિંમત મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સાયલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ ઉપર વિશ્વાસ વધતો જોવા મળે છે.