નકલી કેસમાં ફસાવી 63 લાખનો તોડ કરતા PI ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ
- મોરબીના ટંકારામાં રિસોર્ટમાં દરોડો પાડીને સેટિંગ કર્યું હતું,
- પીઆઈ સામે ખાતાકીય તપાસ થતાં રજા પર ઉતરી ગયા,
- ભાજપના ત્રણ કાર્યકર્તાને કચ્છમાંથી ઉઠાવતા મામલો પ્રકાશમાં આવ્યો
મોરબીઃ રાજકોટના જાણીતા ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને રૂપિયા 63 લાખનો તોડ કરવાના કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ મામલે આરોપીઓ પર સાવ ખોટો કેસ કરાયાની ડીજીપીને અરજી મળ્યા બાદ ડીજીએ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી. દરમિયાન સ્ટેટ મોનીટરિંગ સેલની તપાસમાં મોટો ધડાકો થયો હતો. મોરબીના ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં ફસાવીને 63 લાખ પડાવી લેવાયા હતા. માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે રૂપિયા પડાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો હતો. લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા થયા છે. તો રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની શોધખોળ ચાલુ છે. રાજ્યના પોલીસ તંત્રના ઈતિહાસમાં 63 લાખનો તોડ થયાની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યાનો આ પ્રથમ બનાવ છે.
મોરબી જિલ્લાના એસએમસીની તપાસ બાદ ટંકારા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઇ-હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો છે. લજાઈ પાસે આવેલી એક હોટલ રિસોર્ટમાં જુગારની રેડમાં થયેલા તોડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસીના એસપી નિર્લિપ્ત રાયની સ્થળ તપાસ બાદ પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. હવે પૂર્વ પીઆઇ વાય.કે. ગોહેલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ પીઆઇની અરવલ્લી અને હેડ કોન્સટેબલની દાહોદ બદલી કરાઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગઈ તા. 17 ઓક્ટબરે ટેકારાની એક હોટલ પર રેડ કરવામા આવી હતી. મોરબી જિલ્લામાં લજાઈ નજીક હોટલમાં પાડેલી રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ માટે પહોંચી હતી. હોટલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરાયા હતા. પીઆઇ વાય કે ગોહિલની અરવલ્લી જિલ્લામાં અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરાઈ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એવી હકિકતો પ્રકાશમાં આવી હતી કે, આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપ્યું હતું. જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલરનો ઉમેરો કરીને પોલીસ એ કાર્યવાહી કરી હતી. જોકે હોટલની અંદર કરવામાં આવેલી જુગારની રેડીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેથી કરીને આ બાબતની તપાસ જે તે સમયે રેન્જ આઇજી દ્વારા લીંબડીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી હતી. જોકે ગુજરાતના પોલીસ વડા દ્વારા આ ચકચારી જુગારની રેડ બાબતે એસએમસીને તપાસ સોંપવામાં આવી હોય આજે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી જુદી જુદી બાબતોની તપાસ કરવામાં આવી હતી. અગાઉ પીઆઈ ગોહિલની સામે જ્યારે મોરબી જિલ્લામાં ખાતાકીય તપાસ શરૂ થઈ ત્યારે તે માંદગીની રજા પર ઉતરી ગયા હતા. આ દરમિયાન તેમણે કચ્છમાં ભાજપના જ એક હોદ્દેદારના ત્રણ કાર્યકરોને ઉઠાવીને તોડ કર્યાની વાત વહેતી થઈ હતી. જેને લઈને ગૃહવિભાગ સક્રિય થયું અને તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતા ટંકારાનો તોડકાંડ સામે આવ્યો હતો.