ક્રિકેટર યશ દયાલ મુશ્કેલીમાં થયો વધારો, મહિલાની ફરિયાદ પર જાતીય સતામણીનો કેસ નોંધાયો
લખનૌઃ ભારતીય ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગાઝિયાબાદ જિલ્લા પોલીસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ એક મહિલાનું જાતીય શોષણ કરવા બદલ FIR નોંધી છે. એક મહિલાએ 21 જૂને ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ (IGRS) દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ મોકલી હતી કે ક્રિકેટરે તેનું જાતીય શોષણ કર્યું છે. મહિલાનો દાવો છે કે તે છેલ્લા પાંચ વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 69 (લગ્નનું ખોટું વચન આપીને અથવા છેતરપિંડી દ્વારા જાતીય સંભોગ) હેઠળ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગાઝિયાબાદના DCP પાટીલ નિમિષ દશરથે જણાવ્યું હતું કે યશ દયાલે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તેમણે કહ્યું, "અમે BNS કલમ 69 હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે." યુવતીએ 21 જૂને CM હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી.