For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જંત્રીમાં સુચિત વધારા સામે ક્રેડાઈએ બાંયો ચઢાવી, હવે બિલ્ડરો પણ વિરોધ કરવા લાગ્યા

06:00 PM Dec 04, 2024 IST | revoi editor
જંત્રીમાં સુચિત વધારા સામે ક્રેડાઈએ બાંયો ચઢાવી  હવે બિલ્ડરો પણ વિરોધ કરવા લાગ્યા
Advertisement
  • ક્રેડાઈ જંત્રીના સુચિત વધારાને કોર્ટમાં પડકારશે,
  • જંત્રીના દર વધારાથી રિડવલપના કામો અટકી જશે, 
  • અસહ્ય જંત્રીથી બાંધકામ ઉદ્યોગ ભાંગી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં જંત્રીના સુચિત દરમાં વધારા સામે હવે રહી રહીને બિલ્ડરોએ પણ વિરોધ શરૂ કર્યો છે. નવી જંત્રીના અમલ સાથે જ રિઅલ એસ્ટેટમાં મંદીની શક્યતા બિલ્ડરો વ્યક્ત કરી રહ્યા છે. નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ-ગાહેડ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી. રાજ્ય સરકારને આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા વિનંતી કરવામાં આવી છે. જંત્રીનો રિવ્યૂ થઈ જાય તથા લોકો પોતાની વાંધા-અરજી કરી શકે તે માટે અમલ રોકવા માગ કરી છે. એટલું જ નહીં, વાંધા અરજી ઓનલાઈન સાથે ઓફલાઈન સ્વીકારવાની માગણી કરી છે. નવી જંત્રીથી રીડેવલપમેન્ટ તથા સ્વસ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બંધ થઈ જશે એવો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

ક્રેડાઈ-ગાહેડના અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ  2011માં જંત્રી બહાર પાડી હતી તેના 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરવામાં આવ્યો ન હતો. આ સમય દરમિયાન ક્રેડાઈએ વખતો વખત જંત્રી દર વર્ષે જાહેર કરવામાં આવે તેવી માગણી કરી હતી. પરંતુ 2023માં રાતોરાત રાજ્ય સરકારે 200 ટકાના વધારા સાથે જંત્રી બહાર પાડી દીધી હતી. આ સમયે ક્રેડાઈએ સરકારમાં રજૂઆત કરી હતી કે, નવી જંત્રીથી બજારમાં શું ફરક પડશે તેની અસર શું થશે તેવો સરવે કર્યા વગર સીધેસીધી જંત્રી બહાર પાડવાથી સામાન્ય નાગરિકો પર ભારણ વધશે. સરકારને રજૂઆત બાદ જંત્રીના અમલવારી એક મહિના સુધી મુદતમાં વધારો કર્યો અને કેટલીક જગ્યાએ જંત્રીના દરોમાં ઘટાડો કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40 હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી 17 હજાર અર્બન વિસ્તારમાં અને 23 હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઈ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઈન વાંધા અરજીનો વિકલ્પ યૂઝર ફ્રેન્ડલી નથી તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ છે ત્યારે ગામડાંના ખેડૂતો તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે. તેને ધ્યાનમાં રાખી ઓનલાઈનની સાથે ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માગણી છે. આ વાંધા અરજીઓ તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીએ સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગણી છે.

Advertisement

તેમણે ઉમેર્યુ હતું કે, આ જંત્રીના દરો વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવે કર્યા બાદ વધારવા જોઈએ. સરકારે કઈ પદ્ધતિથી આ દરો વધાર્યા છે તેની અમને માહિતી નથી. આ ઉપરાંત સૂચિત જંત્રીના કારણે જમીનના ફેરફાર માટેનું પ્રીમિયમ પણ અનેક ગણુ વધી જશે. દસ્તાવેજ કરાવતી વખતે સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ અનેક ગણા વધારાના નાણાં ચૂકવવા પડશે અને 2022-23માં રૂ. 13731 કરોડની આવકમાં 60 ટકાના વધારા સાથે 55000 કરોડની આવક થઈ હતી. હવે તેમાં ફરી 100 ટકાનો વધારો થશે જે અસહ્ય છે અને આ નવી જંત્રી સ્વીકારવા લાયક નથી. સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટો પડી ભાંગશે. સાથો સાથ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ ગંભીર અસર થશે અને તેમાં અનેક કાનૂની ગૂંચ ઊભી થશે. જંત્રી બજાર કિંમતની નજીક હોવી જોઈએ એવું અમે માનીએ છીએ પણ આ ટૂંકાગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવી શકાય તેમ નથી. સરકાર નવી સૂચિત જંત્રીમાં કોઈ ફેરફાર નહીં કરે તો અમે કોર્ટમાં જઈશું.

 

Advertisement
Tags :
Advertisement