સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
મુંબઈઃ બોલીવુડના સ્ટારસૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પોલીસે પકડી લીધો હતો. આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદ અત્યાર સુધી પોલીસ કસ્ટડીમાં હતો. પરંતુ હવે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હવે પોલીસ કસ્ટડીની કોઈ જરૂર નથી લાગતી. જો તપાસમાં કંઈક નવું બહાર આવે તો નવા BNSS કાયદા હેઠળ પોલીસ કસ્ટડી પછીથી માંગી શકાય છે. હાલમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે બાંદ્રા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછ્યું, "અમે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી રહ્યા છીએ અને તમારી ટીમ કોલકાતાથી ક્યારે પરત આવશે?" જો તે સમયે કસ્ટડીની જરૂર પડશે તો આપણે જોઈશું.
પોલીસે આરોપી શરીફુલ ઇસ્લામના ચહેરાની ઓળખ માટે નમૂના FSLમાં મોકલ્યા હતા. આરોપીઓ પાસેથી હથિયારો મળી આવ્યા હતા. હથિયારને FSLમાં મોકલવામાં આવ્યું છે. 16 જાન્યુઆરીની વહેલી સવારે સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. એક અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગયો હતો, જેની સાથે સૈફની ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં સૈફના ઘરના નોકરને ઈજા થઈ હતી. સૈફ અલી ખાન પર પણ છ વખત હુમલો થયો હતો. સૈફને બે ઊંડા ઘા થયા હતા. સૈફના કરોડરજ્જુ પાસે છરીનો ટુકડો ઘૂસી ગયો હતો. આ ઘટના બાદ સૈફ અલી ખાન હોસ્પિટલ પહોંચ્યો હતો. હવે સૈફ ઘરે પાછો ફર્યો છે અને ઠીક છે. જ્યારે સૈફ અલી ખાન હોસ્પિટલથી પાછો ફર્યો, ત્યારે તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો. સૈફ સાથે કડક સુરક્ષા જોવા મળી હતી.