આરજી કાર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટ સ્વિકારવાનો કોર્ટનો ઈન્કાર
કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરજી કાર મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ ચાર્જશીટમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 100 પાનાની ચાર્જશીટમાં અન્ય ચાર લોકોના નામ પણ સામેલ કર્યા છે. આ તમામ લોકોની કથિત રીતે ગેરરીતિઓમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું હતું કે, “મેડીકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સિવાય અન્ય ચાર ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ચાર્જશીટમાં છે. જેમાં બિપ્લબ સિંહ, અફસર અલી, સુમન હઝરા અને આશિષ પાંડેના નામ સામેલ છે.
જો કે, આલીપોર ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટે ચાર્જશીટ સ્વીકારી ન હતી કારણ કે રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે જરૂરી સત્તાવાર મંજૂરી મેળવી શકાઈ નથી.
આરજી કાર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર અને હત્યાના કેસ બાદ હોબાળો થયો હતો. સમગ્ર કેસના ઘટનાના પડઘા દેશભરમાં પડ્યાં હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને કેટલાક ડોકટરોએ આરજી કાર મેડિકલ કોલેજમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. જેમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ મામલાની તપાસ માટે SITની રચના કરી હતી.
તપાસ દરમિયાન નાણાકીય ગેરરીતિઓ મળી આવી હતી. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું અને સાધનો અને સામગ્રીની ખરીદીમાં કૌભાંડ કર્યું હતું. તેમજ સરકારી નાણાનો દુરુપયોગ કર્યો હતો.