છેતરપીંડી કેસનો સામનો કરતી શિલ્પા શેટ્ટીને કોલંબો જવાની કોર્ટે ના આપી મંજુરી
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ દંપતી પર એક વ્યકિતએ રૂ. 60 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નથી અને તેમને કોલંબો જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.
આર્થિક ગુના શાખા(EOW)એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યું છે. તેના કારણે હવે બંને કોર્ટ અથવા તપાસ એજન્સીની મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરી શકતા નથી. શિલ્પા શેટ્ટીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, અભિનેત્રીને યુટ્યુબના એક ઇવેન્ટ માટે કોલંબો જવું છે, જે 25 થી 29 ઑક્ટોબર દરમિયાન યોજાવાનો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું. કોર્ટએ વકીલને પૂછ્યું કે શું શિલ્પા પાસે ઇવેન્ટનું સત્તાવાર નિમંત્રણ પત્ર છે? વકીલે જવાબ આપ્યો કે હજી સુધી માત્ર ફોન પર ચર્ચા થઈ છે, મંજૂરી મળ્યા બાદ જ સત્તાવાર ઇન્વિટેશન મળશે. જેને લઈને કોર્ટે કટાક્ષ કરતા કહ્યું હતું કે, “પહેલા 60 કરોડ રૂપિયાનું છેતરપિંડીનું મુદો સેટલ કરો, પછી પ્રવાસ પર વિચાર કરીશું.” આ કેસની આગામી સુનાવણી 14 ઑક્ટોબરના રોજ યોજાશે.
તાજેતરમાં EOWએ રાજ કુન્દ્રાની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. જે બાદ રાજ કુન્દ્રાએ એક લેખિત નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, “હું આ કેસની એફઆઈઆરથી અવગત છું. તપાસના દરેક તબક્કે મેં અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપ્યો છે અને 2016માં કંપની લિક્વિડેશનમાં ગયાં બાદ પણ જરૂરી દસ્તાવેજો સોંપ્યા છે.” વ્યવસાયી દિપક કોઠારીની ફરિયાદના આધારે EOWએ અભિનેત્રી અને તેના પતિ સામે કાર્યવાહી શરૂ કરી હતી. દિપક કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2015થી 2023 વચ્ચે તેમણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની પ્રમોટેડ કંપની ‘બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ’માં રૂ. 60.48 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ કંપનીએ નફો આપવાની જગ્યાએ છેતરપિંડી કરી હતી.