સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષા લેવા પર કોર્ટેએ ફરમાવ્યો મનાઈહુક્મ
- કિશોરના માતા-પિતા અલગ રહે છે અને વચ્ચે તરરાર ચાલે છે
- કિશોરના પિતાએ પૂત્રની દીક્ષા સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
- નાની ઉંમરે દીક્ષા જેવો મોટો નિર્ણય લેવા માટે બાળકની પરિપક્વતાનું મૂલ્યાંકન જરૂરી
સુરતઃ શહેરમાં 12 વર્ષના કિશોરની દીક્ષા લેવા સામે કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. કિશોરના માતા-પિતા અલગ રહે છે. અને બન્ને વચ્ચે તકરાર ચાલી રહી છે. પૂત્રની કસ્ટડી માટે પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે પિતાએ કોર્ટમાં અરજ ગુજારીને પોતાના પૂત્રને દીક્ષા લેતા રોકવાની માગ કરી હતી. જૈન સમાજના 12 વર્ષના કિશોરની દીક્ષા અટકાવવા કોર્ટે આદેશ કર્યો છે. ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા સુરત કોર્ટમાં અરજી કરી હતી. જેનો ચુકાદો આવ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૈન ધર્મમાં દીક્ષાનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમાજના અનેક લોકો દીક્ષા લઈને આખું જીવન સંયમના માર્ગે જતા હોય છે. ત્યારે સુરત શહેરમાં 12 વર્ષના એક કિશોરની દીક્ષાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્ટે કિશોરની દીક્ષા પર સ્ટે ઓર્ડર આપ્યો છે. આ કિસ્સાએ સમગ્ર જૈન સમાજમાં ચર્ચા જગાવી છે. કિશોરના પિતા તેમની પત્નીથી અલગ રહે છે. પરંતું તેમના 12 વર્ષના કિશોરની દીક્ષા લેવાની જાહેરાત થયા જ પિતા ગુસ્સે થયા હતા. માતા દીકરાને દીક્ષા આપવા માટે સહમત હતા, પરંતું પિતાએ તેનો વિરોધ કર્યો હતો. પિતાનું કહેવું છે કે, આટલી નાની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય બાળકના ભવિષ્ય અને હિત માટે યોગ્ય નથી. તેમણે દીકરાની દીક્ષા પર રોક લગાવવા માંગ કરી હતી. અને પિતાએ દીકરાની દીક્ષા અટકાવવા માટે સુરત ફેમિલી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે સુનાવણી ચાલી હતી અને પિતાએ પોતાની દલીલો કોર્ટમાં રજૂ કરી હતી.
પુત્રની દીક્ષા અટકાવવા માટે કોર્ટમાં પહોંચેલા પિતાએ કોર્ટમાં કહ્યું કે, મારી અને મારી પત્ની વચ્ચે કોર્ટમાં ખોરાકી અરજી તથા પૂત્રની કસ્ટડી માટેની અરજી વિચારાધીન છે. અમારા છૂટાછેડા થયા નથી. પૂત્રનો કબજો પિતાએ માતાને સુપરત કર્યો નથી. માતા પાસે માત્ર હંગામી કસ્ટડી છે, પરંતુ માતાએ પિતાનો વંશ ખત્મ કરી નાખવા પૂત્રને દીક્ષા અપાવી સાધુ બનાવવા માટેનુ કૃત્ય આદર્યુ છે. સમાજમાં ખોટા દાખલા બેસે તેવુ આ કૃત્ય છે. જો આ પુત્રને દીક્ષા આપી દેવામા આવશે તો જૈન સમાજમા પણ આ પ્રકારના કિસ્સાનું ભારણ દિન પ્રતિદિન વધતુ જોવા મળશે. સમાજમાં દાખલો બેસે અને ખોટું કૃત્ય આદરનારને કાયદાકીય લગામ નાખવી કોર્ટે આવશ્યક છે. બાળક હજુ માંડમાં 12 વર્ષનો થયો છે. કાયદાકીય રીતે પણ પુખ્ત નથી.
પિતાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, મારો દીકરો દુનિયાની હકીકતોથી બિલકુલ અજ્ઞાત છે. દત્તક વિધાનથી બાળકની કસ્ટડી તબદીલ કરવી હોય તો પણ માતા અને પિતાની સંપતિ ફરજિયાત છે. હિન્દુ માઇનોરીટી એન્ડ ગાર્ડિયન વોર્ડ એક્ટ મુજબ પિતા સુપિરિયર ઓથોરિટી કહેવાય. પિતાની કોઈ સંમતિ દીક્ષા માટે ન હતી કે નથી, તેની ઉપરવટ જઇ કરવામાં આવેલુ કૃત્ય પિતાના કાયદેસર હક્કોનો પણ સરેઆમ ભંગ છે. ધર્મ કાયદાથી ઉપર નથી. ધર્મ કે સમાજના વિખવાદના તટસ્થ નિકાલ માટે કોર્ટ જ સર્વોપરી છે. 21 તથા 22 મે, 2025ના રોજ દીક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે ન્યાયના વિશાળ હિતમા પુત્રની દીક્ષા કાર્યક્રમ ઉપર કોર્ટે લગામ નાખવી જરૂર છે.
સુરત ફેમિલી કોર્ટે આ મામલાને ગંભીર ગણી હતી. તેમણે તાત્કાલિક 12 વર્ષના કિશોરની દીક્ષા પર સ્ટે ઓર્ડર જાહેર કર્યો હતો. આ નિર્ણય લેતા સમયે કોર્ટે માતાપિતાના મતભેદને પણ ધ્યાનમાં રાખ્યું હતું. કોર્ટે આ નિર્ણય કરતા કહ્યું કે, આટલી નાની ઉંમરે દીક્ષા જેવો મોટો નિર્ણય લેવા માટે બાળકની સમજણ અને પરિપક્વતાનું મૂલ્યાંકન જરૂરી છે.