દેશ ધર્મશાળા નથી, ઘૂસણખોરો પર આકરી કાર્યવાહી કરાશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઘૂસણખોરી અને વસ્તીવિષયક ફેરફારો પર કડક વલણ અપનાવ્યું. તેમણે તેને દેશ માટે જોખમ ગણાવતાં કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયે તેમના નિવેદનને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું હતું. તેમણે નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પરથી કરવામાં આવેલી જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હાઈ-પાવર્ડ ડેમોગ્રાફિક મિશનની રચના ગેરકાયદેસર પ્રવાસન, ધાર્મિક-સામાજિક જીવન પર તેના પ્રભાવ, અસામાન્ય વસાહતની પેટર્ન અને સરહદ વ્યવસ્થાપન પરની અસરનો અભ્યાસ કરશે. આ મિશનથી વિવાદો ઊભા થશે, પરંતુ વિવાદથી બચવા અને દેશ, લોકશાહી, સંસ્કૃતિને બચાવવા વચ્ચે જો પસંદગી કરવાની હોય, તો ભાજપ હંમેશા દેશને પસંદ કરશે.
અમિત શાહે ભાજપની નીતિ 'ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ' નો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "અમે ઘૂસણખોરોને ડિટેક્ટ કરીશું, મતદાર યાદીમાંથી ડિલીટ કરીશું અને દેશમાંથી ડિપોર્ટ કરીશું." તેમણે કહ્યું, "ગુજરાત અને રાજસ્થાનમાં સરહદો છે, પરંતુ ત્યાં ઘૂસણખોરી થતી નથી, કારણ કે ત્યાં કડકાઈ રાખવામાં આવે છે."
અમિત શાહે આસામ અને બંગાળમાં મુસ્લિમ વસ્તીની ઝડપી વૃદ્ધિને ઘૂસણખોરીનો પુરાવો ગણાવ્યો. તેમણે આસામનું ઉદાહરણ આપ્યું, જ્યાં 2011 ની વસ્તી ગણતરીમાં મુસ્લિમ વસ્તીનો દશકીય વૃદ્ધિ દર 29.6 ટકા હતો, અને કહ્યું, "આ ઘૂસણખોરી વિના શક્ય નથી. પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં આ દર 40 ટકા છે, અને સરહદી વિસ્તારોમાં 70 ટકા સુધી પહોંચી ગયો છે. આ ઘૂસણખોરીનો સ્પષ્ટ પુરાવો છે."
અમિત શાહે કહ્યું, ઘૂસણખોરીને કારણે મુસ્લિમ વસ્તી સતત વધી અને હિંદુ ઘટ્યા, દેશ ધર્મશાળા બની શકે નહીં. તેમણે પાકિસ્તાન-બાંગ્લાદેશના હિંદુઓ માટે ભારતના દરવાજા ખોલવાની વાત કરતાં કહ્યું, "આ દેશની માટી પર મારો જેટલો અધિકાર છે, તેટલો જ તેમનો પણ છે. પરંતુ જેઓ ધાર્મિક સતામણી વિના આર્થિક કે અન્ય કારણોસર આવે છે, તેઓ ઘૂસણખોરો છે. જો કોઈ પણ આવી જાય, તો દેશ ધર્મશાળા બની જશે. 1951 માં હિંદુ 84 ટકા, મુસ્લિમ 9.8 ટકા. 1971 માં હિંદુ 82 ટકા, મુસ્લિમ 11 ટકા. 1991 માં હિંદુ 81 ટકા, મુસ્લિમ 12.21 ટકા, અને 2011 માં હિંદુ 79 ટકા અને મુસ્લિમ 14.2 ટકા હતા. વળી, હવે મુસ્લિમ વસ્તી 24.6 ટકા થઈ ગઈ છે. આ ઘૂસણખોરીને કારણે થયું છે."