કપાસના વેચાણ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ 1602ના ભાવે કપાસ ખરીદાશે
- 1થી 30 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોએ કપાસ વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે,
- આપના કેજરિવાલ કપાસના મુદ્દે ચોટિલામાં ખેડૂતોની સભા ગજવશે,
- ટેકાના ભાવે ક્યારે કપાસની ખરીદી શરૂ થશે તે તારીખ નક્કી થઈ નથી.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ કપાસના ઉત્પાદનમાં ઝાલાવાડ પંથક મોખરે હોય છે. તેથી કપાસના ભાવની અસર જિલ્લાના ખેડૂતોને વધુ થતી હોય છે. કપાસના પોષણક્ષમ ભાવ જળવાય રહે તે માટે અમેરિકાથી આયાત કરાતા કપાસ પર ટેરિફ વધારવાની માગ ઊઠી છે. દરમિયાન ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 2025/26માં પ્રતિમણ રૂ. 1,602ના ભાવે કપાસની ખરીદી કરવાનું એલાન કર્યું છે. જેનું તા.1થી 30 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોએ કપાસ કિશાન એપ્લિકેશન મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. જે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેવા ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદી શકાશે નહી,
અમેરિકાએ ભારતની કેટલીક વસ્તુઓ ઉપર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકન કપાસ જેવી વસ્તુઓ ઉપર દેશમાં ટેરિફ વધારવામાં આવે તેવી માંગ ઊઠી છે. સપ્ટેમ્બરમાં શરૂઆતમાં અમેરિકન કપાસ દેશમાં આવી જશે. જિનિંગ મિલો અમેરિકન કપાસની ખરીદી કરી લેશે જેના કારણે દેશમાં ઉત્પાદન થતાં કપાસનો ભાવ તૂટી જવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. આ મુદ્દે તા.7 સપ્ટેમ્બરે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ચોટીલા ખાતે યોજાનારા ખેડૂતોના મહાસંમેલનમાં સરકારને ઘેરવાના પ્રયાસો કરશે તેવી શક્યતા છે.
ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 2025/26માં પ્રતિમણ રૂ. 1,602ના ભાવે કપાસની ખરીદી કરવાનું એલાન કર્યું છે. જેનું તા.1થી 30 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોએ કપાસ કિશાન એપ્લિકેશન મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. જો કે, ટેકાના ભાવે ક્યારે કપાસની ખરીદી શરૂ થશે તે તારીખ નક્કી થઈ નથી. તા.30 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન નહીં થાય તો સીસીઆઈ કપાસની ખરીદી કરશે નહીં. કપાસ વહેંચાણ કરવા આવે ત્યારે ખેડૂતો પોતાની પાસે પાસપોર્ટ સાઈઝ ફોટો, મોબાઈલ નંબર અપડેટ થયેલ બેંક ખાતા સાથે લિંક કરેલ આધારકાર્ડ, 7-12 અને 8-અ દાખલા કે જેમાં કપાસનું વાવેતર લખેલ હોય તેવાં નવીનતમ આધાર અને જો ના હોય તો કપાસના વાવેતર બાબતે તલાટી દ્વારા લખેલો દાખલો સાથે રાખવાનો રહેશે.
ખેડૂતોની માગ છે કે, જેમની પાસે કપાસ સાચવવાની વ્યવસ્થા નથી તેઓએ ઓછા ભાવે કપાસ વેચી દેવો પડે છે. તો બીજી તરફ ભરી રાખેલો કપાસ પીળો પડી જાય છે. આવા કપાસને નીચી ગુણવત્તાનો ગણીને સીસીઆઈ ખરીદતી નથી. એટલે ઓક્ટોબરમાં સીસીઆઈ ખરીદી શરૂ કરે તે જરૂરી છે.