ભાવનગર જિલ્લામા કપાસનું 2.08.900 હેકટરમાં વાવેતર, ગુજરાતમાં ત્રીજા સ્થાને
- સમગ્ર જિલ્લામાં ખરીફપાકનું કુલ 3,80,300 હેકટર જમીનમાં વાવેતર,
- રાજ્યમાં કપાસના કુલ વાવેતરમાં માત્ર સૌરાષ્ટ્રમાં 81 ટકા વાવેતર
- ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું 1,14,600 હેકટરમાં વાવેતર
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું કુલ વાવેતર 3,80,300 હેકટર જમીનમાં થયુ઼ છે અને તે પૈકી સૌથી વધુ કપાસનું 2,08,900 હેકટરમાં વાવેતર થયું છે. જે સમગ્ર ગુજરાતમાં તૃતિય ક્રમે છે. ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું 1,14,600 હેકટરમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. સિઝનમાં હવે 85 ટકાથી વધુ પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો હવે થોડો વરાપ રહે તેની રાહ જોઈ રહ્યા છે.
જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકનું ઓગસ્ટના અંતિમ સપ્તાહના આરંભ સુધીમાં કુલ વાવેતર 3,80,300 હેકટર થયું છે. જે જિલ્લાના કુલ ખરીફ વાવેતર 4,45,000 હેકટરના 85.46 ટકા થાય છે. જેમાં કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય છે. ભાવનગર જિલ્લામાં હવે એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. સમગ્ર રાજ્યમાં કપાસના વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લો પ્રથમ ક્રમે છે જ્યાં કપાસનું વાવેતર 3,82,500 હેકટરમાં થયું છે. આમ પણ સમગ્ર રાજ્યમાં કપાસનું કુલ વાવેતર 20,68,300 હેકટરમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં કપાસનું કુલ વાવેતર 14,85,300 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતના કપાસના કુલ વાવેતરના 71.81 ટકા વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે. જિલ્લામાં આ વર્ષે સમયસરના વરસાદના રાઉન્ડને લીધે પાક પણ સારો થશે અને ચોમાસુ બમ્પર રહેશે. તેવી શકયતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા કપાસના વાવેતરમાં રાજ્યમાં ત્રીજા સ્થાને છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 3,82,500 હેકટર, અમરેલી જિલ્લામાં 2,66,300 હેકટર અને ભાવનગર જિલ્લામાં 2,59,800 હેકટર કપાસનું વાવેતર થયુ છે.