અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક અઠવાડિયામાં 350 વ્યક્તિના મોત
ન્યૂયોર્કઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. દરમિયાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ગયા અઠવાડિયે કોવિડ-19 ને કારણે 350 અમેરિકનો મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા પહેલા કરતા ઓછી છે પણ ચિંતા હજુ પણ યથાવત છે. અમેરિકા, સિંગાપોર અને હોંગકોંગ સહિત એશિયામાં એક નવો સબ-વેરિઅન્ટ NB.1.8.1 ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ પ્રકાર ઝડપથી ફેલાય છે, જોકે તેની ગંભીરતા વિશે સંશોધન હજુ પણ ચાલુ છે.
યુ.એસ.માં ફક્ત 23% પુખ્ત વયના લોકોએ અપડેટેડ રસી લીધી છે. બાળકોમાં આ આંકડો તેનાથી પણ ઓછો હોય તેમ માત્ર 13 ટકા બાળકોએ રસી લીધી છે. નિષ્ણાતોના મતે, રસી ન લેવી અને સમય જતાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી બંને આ સ્પાઇકનું કારણ બની રહ્યા છે. આ વાયરસ વૃદ્ધો અને પહેલાથી જ બીમાર લોકો પર વધુ અસર કરી રહ્યો છે. બીજું મુખ્ય કારણ એ છે કે લોકો સ્થિતિ વધુ ખરાબ ન થાય ત્યાં સુધી સારવાર લેતા નથી. મોલનુપીરાવીર (મર્ક) અને પેક્લોવિડ (ફાઇઝર) જેવી એન્ટિવાયરલ ગોળીઓ યુ.એસ.માં ઉપલબ્ધ છે, જે લક્ષણોની શરૂઆતના પાંચ દિવસની અંદર લઈ શકાય છે. પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ યોગ્ય સમયે કરતા નથી. ડોક્ટરો કહે છે કે સમયસર પરીક્ષણ અને દવાથી ગંભીર ચેપ અટકાવી શકાય છે.