કચ્છ જિલ્લા પ્રા. શિક્ષાણાધિકારીનો ચાર્જ પાટણના DPEOને સોંપાતા વિવાદ
- પાટણના DPEOને 270 કિમી દૂર ચાર્જ સોંપાતા બન્ને કચેરીનો વહિવટ કેવી રીતે કરી શકશે,
- પાટણના DPEOએ વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવા માગણી કરી,
- શિક્ષણ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છતાંયે ભરતી કરાતી નથી
ભૂજઃ કચ્છનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ છેક પાટણના ડી.પી.ઈ.ઓ.ને વધારાનો હવાલો સોંપાતા વિવાદ ઊભો થયો છે. કારણ કે કચ્છ અને પાટણ વચ્ચે 270 કિમીનું અંતર છે. એટલે એક અધિકારી બે જગ્યાએ કઈ રીતે કામ કરી શકશે. અધિકારીને આવવા જવામાં જ મોટાભાગનો સમય વેડફાઈ જશે. પાટણના ડીપીઈઓએ પણ બન્ને કચેરીઓનો વહિવટ સંભાળવામાં અસમર્થતા બતાવીને શિક્ષણ વિભાગને પુનઃ વિચાર કરવાની વિનંતી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ એક વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. જેની પાછળ એક કારણ તો તેમણે બોગસ હિસાબનીશ કૌભાંડ ખુલ્લું પાડ્યા બાદ ગાંધીનગરથી એક યા બીજી રીતે તેમને માનસિક ત્રાસદાયક સ્થિતિમાં મૂકી દેવાયા હોવાનું અને બીજું કારણ એમને જિલ્લા પંચાયતના ડીડીઓએ અપમાનજનક શબ્દો કહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ, વાઘેલાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર થયા બાદ કચ્છના ડી.ઈ.ઓ. કે અન્ય કોઈને વધારાનો હવાલો સોંપવાને બદલે છેક પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડાને વધારાનો હવાલો સોંપી દેવાયો છે. ચાવડા હજુ સુધી ચાર્જ સંભાળવા આવ્યા નથી. તેની પાછળનું મુખ્ય કારણ એક તો પાટણ અને કચ્છ વચ્ચે 270 કિ.મી.નું અંતર અને ઉપરથી તેમને નાદુરસ્ત તબીયત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પાટણના ડીપીઈઓ ચાવડાએ શિક્ષણ વિભાગને અરજી કરીને કચ્છના વધારાના હવાલાથી મુક્તિ આપવા વિનંતી કરી છે. જે હોય તે પણ હજુ સુધી તેઓ હાજર થયા નથી, જેથી કચ્છની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના વહીવટી કામો ઉપર આડઅસર જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગમાં હાલ અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ ત્વરિત ભરવાની પણ માગ ઊઠી છે.