સુરતમાં ગટરના ઢાંકણાની રિંગ પડતા બાળકના મોતના કેસમાં કોન્ટ્રાકટરની ધરપકડ
- ડિંડોલીમાં 4 મહિના પહેલા સિમેન્ટની વજનદાર રિંગ પડતા બાળકનું મોત થયું હતું,
- બાળકના મોતના કેસમાં 4 મહિના બાદ મ્યુનિ.ના કાન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો,
- કોન્ટ્રાકટની બેદરકારીને લીધે બાળકનો ભોગ લેવાયો હતો
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં ચાર મહિના પહેલા ગટરના ઢાંકણ માટે મૂકાયેલી વજનદાર સિમેન્ટની રીંગ એક નિર્દોષ પાંચ વર્ષની બાળકીના માથા પર પડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે મ્યુનિ.ના કોન્ટ્રાટરની ધરપકડ કરી છે. ડિંડોલી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ IPCની 304 કલમ (બેદરકારીથી મૃત્યુ નીપજાવ્યા) હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં 26 નવેમ્બર, 2024ના રોજ હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં ગટરના ઢાંકણ માટે મૂકાયેલી વજનદાર સિમેન્ટની રીંગ એક નિર્દોષ પાંચ વર્ષની બાળકીના માથા પર પડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવમાં મ્યુનિના કોન્ટ્રાક્ટર દિનેશ પરમારની ચાર મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની લાંબી તપાસ બાદ આ દુર્ઘટમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દિનેશ પરમારની ગંભીર બેદરકારી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતાં કોન્ટ્રાક્ટર દિનેશ પરમારની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ડિંડોલી વિસ્તારમાં 4 મહિના પહેલા આ બનાવ બન્યો હતો. જેમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા જયેશભાઈ ઉર્ફે અંકુશ દોડીસ અને તેમની પત્ની દીક્ષા દોડીસ સામાન્ય મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાંચ વર્ષની દીકરી ભાગ્યશ્રી ઉર્ફે કાવ્યા 26 નવેમ્બરના રોજ ઘરની નજીક રોડ પર રમતી હતી. એ સમયે ત્યાં રાખવામાં આવેલી સિમેન્ટની વજનદાર ગટરની રીંગ અચાનક તેના પર પડી ગઈ, જેનાથી બાળકીને બચાવવાનો કોઇ મોકો પણ મળ્યો નહીં. બાળકીનું મોત નિપજ્યુ હતું.
મ્યુનિના કોન્ટ્રાક્ટર દિનેશ પરમારે આ ઢાંકણને સજ્જડ રીતે ન મૂકતા, કોઈ સુરક્ષા ઉપાયો ન આપતા અને કોઈ ચેતવણી ચિહ્ન ન લગાવતા આ દુર્ઘટના બની હતી. પોલીસે ઘટના બાદ ગૂનાહિત બેદરકારીના આધારે તપાસ શરૂ કરી હતી. બાળકો માટે પ્રાણઘાતક સાબિત થયેલા આ ઢાંકણો કોન્ટ્રાક્ટર દિનેશ પરમાર દ્વારા જ મૂકવામાં આવ્યા હોવાનું સાબિત થતાં આખરે ડિંડોલી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ IPCની 304 કલમ (બેદરકારીથી મૃત્યુ નીપજાવ્યા) હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે.