સતત સહકાર વિશ્વાસ પર ટકેલો હોય છે, આતંકવાદ પર નહીં, પાકિસ્તાન ઉપર ભારતના આકરા પ્રહાર
જિનેવા/નવી દિલ્હીઃ ભારતે 22 એપ્રિલે થયેલા પેહલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) નિલંબિત કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે પાકિસ્તાને ઊઠાવેલી આપત્તિને ભારતે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)માં આકરા શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજનાયિક અનુપમા સિંહે જિનેવામાં સ્પષ્ટ કર્યું કે, “સતત સહકાર વિશ્વાસ પર ટકેલો હોય છે, આતંકવાદ પર નહીં. 1960માં થયેલી સંધિ એ સુમેળ અને મિત્રતાની ભાવના પર આધારિત હતી, પરંતુ આજની પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. પાકિસ્તાની પ્રાયોજિત આતંકવાદ આ સંધિની મૂળ ભાવનાને ખોખલી કરી રહ્યો છે.”
તેમણે પાકિસ્તાનને આક્ષેપ કરતાં જણાવ્યું કે, જે દેશ વારંવાર સંધિની ભાવના ભંગ કરે છે તેને બીજાને આરોપ લગાવવાનો કોઈ અધિકાર નથી. ભારત દ્વારા 23 એપ્રિલે સંધિ નિલંબિત કર્યા બાદ પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું થયું છે. અહેવાલો મુજબ, પાકિસ્તાનના બંને મોટા જળાશય ‘ડેડ સ્ટોરેજ લેવલ’ સુધી પહોંચી ગયા છે અને કૃષિ ઉત્પાદન પર ભારે અસર પડી છે.
1960માં વર્લ્ડ બેન્કની મધ્યસ્થતા હેઠળ થયેલી સિંધુ જળ સંધિ ભારત-પાકિસ્તાન સંબંધોમાં સહકારનું પ્રતિક માનવામાં આવતી હતી. આ સંધિ હેઠળ ભારતને પૂર્વી નદીઓ (રાવી, બિયાસ અને સતલુજ) પર અધિકાર મળ્યો હતો, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેહલમ અને ચિનાબ) પર નિયંત્રણ અપાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “પાણી અને લોહી સાથે સાથે વહી ના શકે.”