બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે : અમિત શાહ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભો છે.
આજે સવારે ચર્ચાનો પ્રારંભ કરતા ગૃહના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે, ભારત સૌથી મોટી લોકશાહી હોવાની સાથે સાથે લોકશાહીની જનની છે. તેમણે જણાવ્યું કે, ભારતીય નૈતિકતા મુજબ, લોકશાહીમાં સ્વતંત્રતા, સ્વીકાર્યતા, સમાનતા અને સર્વસમાવેશકતાનો સમાવેશ થાય છે, જે નાગરિકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર બંધારણ સભાના સભ્યોનું ઋણી છે જેમણે ભારતીય બંધારણને આકાર આપ્યો.
ટીએમસીના સુસ્મિતા દેવે આક્ષેપ કર્યો કે, રાષ્ટ્રની 40 ટકા સંપત્તિ એક ટકા વસ્તી પાસે છે. તેમણે સરકાર પર મણિપુર મુદ્દે મૌન ધારણ કરવાનો આરોપ મૂક્યો હતો. જેડી(યુ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, તેણે કટોકટી લાદીને બંધારણ પર હૂમલો કર્યો હતો. ડીએમકેના નેતા એમ પી વિલ્સને આક્ષેપ કર્યો કે, સરકાર સંસદની અવગણના કરી રહી છે. સરકારે ચર્ચા વગર અથવા તો એક કલાકથી પણ ઓછી ચર્ચા દ્વારા લોકસભામાં 221 ખરડા પસાર કર્યા છે.