અમદાવાદમાં ટ્રકમાલિક પાસે દિવાળી બોનસના 1000 લેવા જતા કોન્સ્ટેબલ પકડાયો
- દિવાળી બોનસના નામે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો,
- એસપી રિંગ રોડ પર વાહનચાલકોને મેમો ન આપવા કોન્સ્ટેબલ લાંચ માગતો હતો,
- 1000 રૂપિયા ટ્રકમાલિકે આપ્યા તો વધારાના દીવાળી બોનસપેટે લાંચ માગી
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે ટ્રાફિકનો પોલીસ કોન્સ્ટેબલ દિવાળીના બોનસપેટે રૂપિયા 1000ની ટ્રકમાલિક પાસેથી લાંચ લેતા એબીસીએ પકડી પાડ્યો છે. શહેરના એસપી રિંગ રોડ પર ટ્રક માલિક પાસે અગાઉ ટ્રાફિક કોન્સ્ટેબલે રૂપિયા 1000ની લાંચ લીધી હતી. ત્યારે બાદ દિવાળીના બોનસપેટે વધુ 1000 રૂપિયા આપવાની માગણી કરી હતી. આથી ટ્રકમાલિકે એસીબીમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવીને 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેવાયો હતો.
દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા દિવાળી બોનસની માંગણીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી એસીબીએ ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે રૂ. 1 હજારની લાંચ લેતાં ઝડપી પાડ્યો છે. K ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ કિશોર મકવાણા રિંગ રોડ ઉપર કાયમી ચાલતી ટ્રકોમાં સીટબેલ્ટના મેમા આપવાની વાત કરી હતી. જે તે સમયે 1000 રૂપિયા માંગવામાં આવ્યા હતાં, જે આપી દેવામાં આવ્યા હતાં. પરંતુ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારીની છથી સાત ટ્રકો કાયમ સરદાર પટેલ રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ તરફ અવરજવર કરતી હોય છે. અઠવાડિયા પહેલા અસલાલી પાસે ટ્રક પસાર થતા K ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર મકવાણાએ ટ્રક રોકી હતી. ટ્રક રોકીને ડ્રાઇવર અને સીટબેલ્ટ ન બાંધવા બદલ ₹3,000નો મેમો આપવાની વાત કરી હતી, જેથી ડ્રાઇવરે તેના ટ્રક માલિકને ફોન કર્યો હતો. ફોન ઉપર કોન્સ્ટેબલે વાતચીત કરી હતી અને ટ્રકને જવા દેવા કહ્યું હતું. જોકે કિશોર મકવાણાએ તેઓને રૂબરૂ મળવા માટે જણાવ્યું હતું. બાદમાં કોન્સ્ટેબલ કિશોર મકવાણા વેપારીને ફોન કરીને અવારનવાર રૂબરૂ મળવા માટે બોલાવતા હતા. જો મળવા નહીં આવે તો હેરાન કરવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવતી હતી. કોન્સ્ટેબલ દ્વારા આ રીતે હેરાન કરવામાં આવતા ત્રણ ચાર દિવસ બાદ વેપારી જાતે અસલાલી સર્કલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, મારી રોજની છથી સાત ટ્રકો કાયમી આ રૂટ ઉપર જતી હોય છે. જેથી કોન્સ્ટેબલે તેમની પાસે પૈસાની માંગણી કરતા 1000 રૂપિયા જે તે સમયે આપી દેવામાં આવ્યા હતા. ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ પૈસા લીધા બાદ તેઓની પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરી હતી. જોકે જે તે સમયે વેપારીએ તેમને એક- બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી. વેપારી ટ્રાફિક કોન્સ્ટેબલની ધમકી અને પૈસા માંગણીથી કંટાળીને દિવાળી બોનસના પૈસા આપવા ન માંગતા હોવાના કારણે એસીબીને ફરિયાદ કરી હતી. જેથી એસીબીની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી અને દિવાળી બોનસ પેટે ₹1000ની લાંચ લેવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથ ઝડપી લીધો હતો.