આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસે તમામ બેઠકો બિન હરિફ મેળવી
- આંકલાવ APMCની ચૂંટણીમાં ભાજપને ઉમેદવારો જ ન મળ્યા
- કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાનો ગઢ જાળવી રાખ્યો
- યાર્ડમાં તમામ કામો ખેડુતોના હીતમાં કરાશે એવો કોંગ્રેસે દાવો કર્યો
આણંદઃ ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. તેમજ તમામ માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપનો દબદબો છે. ત્યારે આંકલાવ માર્કેટિંગ યાર્ડ કોંગ્રેસે કબજે કરી છે. આંકલાવની APMC ની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો. તેથી કોંગ્રેસે તમામ બેઠકો બિન હરિફ મેળવી છે.
આંકલાવ APMC ની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવા સફળ રહ્યું છે. APMCમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. APMC ની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી. તારીખ 28 માર્ચના રોજ ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજુર થયા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે અંતે ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. APMC ની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર કેમ ના મળ્યો તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. આમ, કોંગ્રેસે આંકલાવ APMC માં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ આ વિજયને વધાવ્યો હતો. બિન હરીફ વિજેતા ઉમેદવારોનું આંકલાવમાં વિજય સરઘસ નીકળ્યું હતું. આ અંગે અમિત ચાવડાએ ટ્વીટ કરતા કહ્યું કે, સમગ્ર વિસ્તારના ખેડૂતોની મહત્વની સંસ્થા આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની(APMC )ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અનેક કાવાદાવા, દબાણો અને લાલચો સામે મક્કમતા સાથે પ્રામાણિક અને પારદર્શી વહીવટને ધ્યાનમાં રાખીને સમગ્ર તાલુકાના રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો તથા તમામ મતદારો દ્વારા કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.