પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા પસાર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર જ જાહેર નિવેદનો આપવા જણાવ્યું.
પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સમય એકતા, પરિપક્વતા અને જવાબદારી સાથે રાષ્ટ્રની સાથે ઉભા રહેવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ સંવેદનશીલ મુદ્દા પર કોંગ્રેસ કાર્યકારી સમિતિનો ઠરાવ જ પાર્ટીનો એક માત્ર જાહેર અભિવ્યક્તિ હશે.
"આ મુશ્કેલ સમયમાં, જ્યારે આપણા સામૂહિક સંકલ્પની કસોટી થઈ રહી છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એકતા, પરિપક્વતા અને જવાબદારીનું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ જે તે મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જેના પર પક્ષે દાયકાઓથી રાષ્ટ્રની સેવા કરી છે," પત્રમાં કહેવામાં આવ્યું છે.
તમામ અધિકારીઓને કોઈપણ નિવેદન, ટિપ્પણી અથવા રજૂઆતમાં શિસ્ત જાળવવા અને પક્ષની લાઈનથી ભટકે તેવી કોઈપણ ટિપ્પણી ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. પાર્ટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈપણ ઉલ્લંઘનને "ગંભીર અનુશાસનહીનતા" ગણવામાં આવશે અને તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
કોંગ્રેસે એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેણે રાષ્ટ્રીય કટોકટીના સમયમાં હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને આ વખતે પણ તે એ જ ગૌરવ અને સંયમ બતાવશે જેની દેશ અપેક્ષા રાખે છે. તમને જણાવી દઈએ કે આ સૂચના એવા સમયે આવી છે જ્યારે પહેલગામ હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસે પીડિતોને ન્યાય અપાવવા માટે સરકાર પાસેથી નક્કર કાર્યવાહીની પણ માંગ કરી છે.