રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝૂંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ
- કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નાગરિકોની સહી ઝૂંબેશ,
- શહેરમાં રોડ-રસ્તાની બદતર હાલત સુધારો ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો,
- 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવાની માગણી
રાજકોટઃ ગુજરાતભરમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલમાં છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર જારી કરીને શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ પાડવામાં આવશે. એવી જાહેરાત કરાતા શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો છે. અને હેલ્મેટના કાળા કાયદાના વિરોધ સ્વરૂપે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના અગ્રણીના કહેવા મુજબ શહેરમાં પહેલા ખરાબ રસ્તાઓ તો રીપેર કરાવો અને ભારે વાહનો માટે નો એન્ટ્રી છતાં શહેરમાં ઘૂસી લોકોના જીવ લઈ રહ્યા છે, તેનાથી તો મુક્તિ અપાવો. જો આગામી સમયમાં પોલીસ કમિશનર દ્વારા ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકોટની પ્રજાને કઈ રીતે હેરાન પરેશાન કરવી અને કઈ રીતે લૂંટવી તેના સિવાય કોઈ બીજો કામ ધંધો કરતી નથી. આ જ પ્રકારે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે આગામી 8 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરમાં હેલ્મેટ દરેક ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત પહેરવાનું રહેશે. અમે રાજકોટ શહેર પોલીસ કમિશનરને કહેવા માગીએ છીએ કે, અમારે હેલ્મેટ પહેરવું જ છે અમારે અમારી સુરક્ષા કરવી જ છે. પરંતુ ભાજપના શાસનમાં જે રસ્તાઓ ઉપર મસમોટા ખાડાઓ છે, તે પહેલા મહાનગરપાલિકા દ્વારા બૂરવામાં આવે. જે બાદ લોકોની સુખાકારી માટેની વાતો કરવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિજ ભ્રષ્ટાચારને કારણે પડી જાય છે તે બાબતમાં પહેલા ધ્યાન આપવુ જોઈએ.
રાજકોટ શહેરમાં ભારે વાહનો માટે પ્રતિબંધનો પોલીસનો પરિપત્ર હોવા છતાં પણ ભારે વાહનો રાજકોટ શહેરમાં આવીને લોકોનો જીવ લઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આ વાહનોની એન્ટ્રી સદંતર બંધ કરવી જોઈએ. આ તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ સૌપ્રથમ લાવવું જોઈએ અને ત્યારબાદ રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવું જોઈએ તેવું અમારું સ્પષ્ટ પણે માનવું છે.
એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્મેટ વિરોધી કાયદા અંગે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેમાં રાજકોટ શહેરના લોકોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. જેથી આગામી સમયમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો, એનએસયુઆઈ અને કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરના રસ્તાઓ પર ઉતરી અને હેલ્મેટ ફરજિયાતના કાયદાનો વિરોધ કરવામાં આવશે.