કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC
નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી છે. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ આગામી દિવસોમાં વધારે ઉગ્રબને તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં તમામ છ બેઠકો જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ઉત્સાહ ફેલાયો છે દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના અહંકારને બાજુ પર રાખીને ઈન્ડી ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવું જોઈએ. તેમણે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (MVA)ની હાર પર કોંગ્રેસની ટીકા પણ કરી હતી. ટીએમસી સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું કે મમતા બેનર્જીના નેતૃત્વ અને ગ્રાસરૂટ જોડાણે તેમને વિપક્ષી ગઠબંધનમાં સૌથી યોગ્ય ચહેરો બનાવ્યો છે. "કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ તાજેતરની ચૂંટણીઓમાં તેમની નિષ્ફળતાઓ સ્વીકારવી જોઈએ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર એકતા રાખવી જોઈએ. તેઓએ તેમના અહંકારને બાજુએ રાખવો જોઈએ અને મમતા બેનર્જીને ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે સ્વીકારવા જોઈએ."
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાની હેઠળ ઈન્ડી ગઠબંધન બનાવવામાં આવ્યું હતું. જેમાં સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો જોડાયેલા છે. જો કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અંતર જોવા મળ્યું હતું. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોંગ્રેસને જાણ કર્યા વિના તમામ 9 બેઠકો ઉપર પોતાના પક્ષના ઉમેદવાર જાહેર કરતા રાજકારણ ગરમાયું હતું.
(PHOTO-FILE)